ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરની અસર હવે ધીમે ધીમે ઓસરી રહી છે. શુક્રવાર સુધીમાં સતત પાંચમા દિવસે કોરોના વાઇરસના દૈનિક કેસ એક લાખની નીચે નોંધાયા છે, આમ છતાં કહેવાય છે કે ભય હજુ પણ યથાવત છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જો કોરોના ગાઇડલાઇનું પાલન નહીં કરવામાં આવે તો આ આંકડા ફરીથી વધી શકે છે. શુક્રવાર સુધીમાં દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 84,332 કેસ નોંધાયા છે. તો સામે 4002 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કુલ કેસોનો આંક 2 કરોડ 93 લાખ 59 હજાર 155 થયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં વર્તમાન સમયે કોરોના વાઇરસના 10 લાખ 80 હજાર 690 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2.79 કરોડ કરતા પણ વધારે લોકો કોરોનામાંથી સાજા થયા છે. આ તરફ મહારાષ્ટ્રને પણ આ પ્રકોપમાંથી રાહત મળી છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના 11,766 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 2213 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં શુક્રવારે કોરોનાના 238 નવા કેસ નોંધાયા છે. આ સંખ્યા છેલ્લા ત્રણ મહિનામાં દરરોજ આવતા કેસમાં સૌથી ઓછા છે. દિલ્હીમાં કોરોનાના કારણે શુક્રવારે 24 લોકોના મોત થયા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 24,772 લોકોના મોત થયા છે.