
અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીરે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન સાથેના નવા મુક્ત વેપાર કરારમાં ભારત વિજેતા તરીકે ઊભરી આવ્યું છે. આ સોદો વૈશ્વિક વેપાર તણાવ અને વોશિંગ્ટનની ટેરિફ નીતિઓને કારણે આવેલું વ્યૂહાત્મક પરિવર્તન દર્શાવે છે. આ કરારમાં નવી દિલ્હીને વધુ લાભ મળી રહ્યાં છે. ભારત આ બાબતમાં સ્પષ્ટપણે ટોચ પર આવે છે. ભારતને યુરોપમાં વધુ બજાર પ્રવેશ મળે છે.
ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં ગ્રીરે જણાવ્યું હતું કે સૌ પ્રથમ વ્યૂહાત્મક રીતે એ સમજવું મહત્વપૂર્ણ છે કે પ્રેસિડન્ટ ટ્રમ્પે સ્થાનિક ઉત્પાદનને પ્રાથમિકતા આપી છે અને અન્ય દેશોથી આવતા માલ પર ટેક્સ વસૂવાનું ચાલુ કર્યું છે. તેથી આ દેશો તેમના વધુ ઉત્પાદન માટે અન્ય બજારો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેથી EU ભારત તરફ વળ્યું છે.જો અમેરિકા સુધી પહોંચ વધુ મોંઘી બનશે તો વેપાર પર ભારે નિર્ભર EUને વૈકલ્પિક બજારોની જરૂર પડશે.
યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનની વર્કર મોબિલિટીની અંગેની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા તેમણે નોંધ્યું હતું કે “એવું લાગે છે કે તેમની પાસે કેટલાક વધારાના ઇમિગ્રેશન અધિકારો છે. મને ખાતરી નથી, પરંતુ EUના પ્રમુખ વોન ડેર લેયેને ભારતીય કામદારો માટે યુરોપમાં ગતિશીલતા વિશે વાત કરી છે. તેથી મને લાગે છે કે આનાથી ભારતને મોટો લાભ થશે. ભારતમાં ઉત્પાદન ખર્ચ ઘણો નીચો છે. એવું લાગે છે કે અમે અહીં યુએસમાં વૈશ્વિકરણની કેટલીક સમસ્યાઓને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે EU વૈશ્વિકરણ પર બમણું દબાણ કરી રહ્યું છે.ભારત અને EUએ મંગળવારે FTA વાટાઘાટોના સમાપનની જાહેરાત કરી હતી.











