
વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ વર્ચ્યુઅલ સમિટના સમાપન સત્રમાં તેમના પ્રારંભિક સંબોધનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસશીલ દેશોને કુદરતી આપત્તિ કે માનવીય કટોકટીના કિસ્સામાં આવશ્યક મેડિકલ સપ્લાય પૂરો પાડવા માટેના ‘આરોગ્ય મૈત્રી’ નામના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. મોદીએ આ દેશોમાં વિકાસના મુદ્દાન ઉકેલમાં મદદરૂપ થવા માટે ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ની સ્થાપવાની દરખાસ્ત કરી પણ કરી છે.
મોદીએ જણાવ્યું હતું કે ભારત અન્ય વિકાસશીલ રાષ્ટ્રો સાથે તેની કુશળતા શેર કરવા માટે ‘વિજ્ઞાન અને તકનીકી પહેલ’ શરૂ કરશે. નવી દિલ્હી ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિકાસશીલ દેશોના વિદ્યાર્થીઓ માટે નવી શિષ્યવૃત્તિ શરૂ કરશે અને દેશોના વિદેશ મંત્રાલયોના યુવા અધિકારીઓને જોડવા માટે એક નવું મંચ બનાવશે.
મોદીએ કહ્યું હતું કે “હું હવે એક નવા ‘આરોગ્ય મૈત્રી’ પ્રોજેક્ટની જાહેરાત કરવા માંગુ છું. આ પ્રોજેક્ટ હેઠળ, ભારત કુદરતી આફતો અથવા માનવતાવાદી કટોકટીથી પ્રભાવિત કોઈપણ વિકાસશીલ દેશને આવશ્યક તબીબી પુરવઠો પૂરો પાડશે.” તેમણે ગ્લોબલ સાઉથ યંગ ડિપ્લોમેટ ફોરમ અને ગ્લોબલ સાઉથ સ્કોલરશીપ્સની પણ જાહેરાત કરી હતી
વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત ‘ગ્લોબલ-સાઉથ સેન્ટર ઓફ એક્સલન્સ’ની સ્થાપના કરશે. આ સંસ્થા આપણા કોઈપણ દેશોના વિકાસ ઉકેલો અથવા શ્રેષ્ઠ-પ્રથાઓ પર સંશોધન હાથ ધરશે, જેને ગ્લોબલ સાઉથના અન્ય સભ્યોમાં કરી શકાશે. ભારતે સ્પેસ ટેકનોલોજી અને ન્યુક્લિયર એનર્જી જેવા ક્ષેત્રોમાં મોટી સફળતા મેળવી છે. અમે ‘ગ્લોબલ-સાઉથ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઇનિશિએટિન’ લોન્ચ કરીશું.













