ભારતના 15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે. આ ચૂંટણી પછી અકાલી દળ ગૃહમાંથી હાજરી ગુમાવશે અને ભાજપને સૌથી વધુ લાભ થવા છતાં તે બહુમતીથી દૂર રહેવાની સંભાવના છે. આ ચૂંટણી પછી ગૃહમાં આમઆદમી પાર્ટીના સભ્યોની સંખ્યા વધશે.
ચૂંટણી પંચે ગુરુવારે જાહેરાત કરી હતી કે જૂન અને ઓગસ્ટમાં કેટલાક સભ્યોની નિવૃત્તિને કારણે ખાલી પડનારી બેઠકો પર ચૂંટણી યોજાશે. રાજ્યસભાના નિવૃત્ત થઈ રહેલા સભ્યોમાં કેન્દ્રીય પ્રધાનો- નિર્મલા સીતારામન, પીયૂષ ગોયલ અને મુખ્તાર અબ્બાસ નકવી, કોંગ્રેસના અંબિકા સોની, જયરામ રમેશ તથા કપિલ સિબ્બલ અને બહુજન સમાજ પક્ષના સતિષ ચંદ્ર મિશ્રાનો સમાવેશ થાય છે. આ સભ્યો 21 જૂન અને 1 ઓગસ્ટ વચ્ચે નિવૃત્ત થશે. કેન્દ્રીય પ્રધાનોએ આ ચૂંટણીમાં ફરીથી ચૂંટાવું પડશે. રાજ્યસભાની ચૂંટણીનો હવે પછીનો તબક્કો વર્ષ 2024માં આવશે.
રાજ્યસભાની આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની સૌથી વધુ 11 બેઠકો પર મતદાન થશે જ્યારે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં 6-6 બિહારમાં પાંચ, કર્ણાટક, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાંથી 4-4, મધ્ય પ્રદેશ અને ઓડિશામાં ૩-૩, પંજાબ, ઝારખંડ, હરિયાણા, છત્તિસગઢ તથા તેલંગાણામાં 2-2 તથા ઉત્તરાખંડમાં એક બેઠક પર ચૂંટણી યોજાશે.
અત્યારે 245 સભ્યોની રાજ્યસભામાં ભાજપના 95, કોંગ્રેસના 29 સાંસદો છે. રાજ્યસભાના નિવૃત્ત થઈ રહેલા સભ્યોમાં ભાજપને આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ નુકસાન થશે, જ્યાં તેના ત્રણ સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. આ સિવાય ઝારખંડ અને રાજસ્થાનમાંથી પણ તેના સભ્યો નિવૃત્ત થાય છે. જોકે, ભાજપને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં સૌથી વધુ લાભ મળશે. ઉત્તર પ્રદેશમાં ખાલી પડી રહેલી 11 બેઠકોમાંથી પાંચ ભાજપની છે, જ્યાં હવે ભાજપ આઠ બેઠકો જીતે તેવી સંભાવના છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં યોજાનારી રાજ્યસભાની આ ચૂંટણી ઘણી મહત્વની બનશે.
વધુમાં આ ચૂંટણી પછી નવ નિશ્ચિત અને એક સંભવિત બેઠક સાથે આમઆદમી પાર્ટીની તાકાત વધશે. તે રાજ્યસભામાં ટોચના પાંચ પક્ષોમાં સામેલ થઈ જશે. મહારાષ્ટ્રમાં શાસક પક્ષ શિવસેના-એનસીપી-કોંગ્રેસનું જોડાણ રાજ્યની ત્રણેય બેઠકો સરળતાથી જીતી લેશે જ્યારે ભાજપ તેની ત્રણમાંથી બે બેઠકો જીતશે. આ ચૂંટણી પછી ગૃહમાંથી અકાલી દળના એકમાત્ર સભ્ય નિવૃત્ત થઈ જશે જ્યારે બસપ એક સાંસદ સુધી સિમિત થઈ જશે.