ભારતમાં શંકાસ્પદ રીતે વિદેશી ફંડ ઉઘરાવતા એનજીઓ અને સંગઠનો સામે સીબીઆઇ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ-2010 અંતર્ગત સીબીઆઈએ 40 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને રૂ. 3.21 કરોડ જપ્ત કર્યા હતા. ગૃહ મંત્રાલયની ફરિયાદ પછી સીબીઆઈએ 36 લોકો સામે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. સીબીઆઈની કાર્યવાહી દરમિયાન દિલ્હી, રાજસ્થાન, ચેન્નાઈ, હેદરાબાદ, મૈસુર સહિતના 40 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરીને વિદેશથી ફંડ મેળવતા એનજીઓ અને સંગઠનો સામે પગલાં ભરવામાં આવ્યા હતા. જે લોકોની ધરપકડ થઈ છે, જેમાં એનજીઓના સંચાલકો ઉપરાંત વિદેશી ફંડ અપાવતા વચેટિયાઓનો પણ સમાવેશ થાય છે. આ આરોપીઓમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓ પણ સંડોવાયેલા હતા. લગભગ સાત અધિકારીઓ સામે કાર્યવાહી થઈ છે.
ગત 10 મે ના રોજ આ આરોપીઓ અને એનજીઓ સામે કેસ દાખલ થયો હતો. સીબીઆઈના કહેવા પ્રમાણે નિયમોનો ભંગ કરીને વિદેશી ફંડ મેળવવાના આ કૌભાંડમાં ત્રણ નેટવર્ક કાર્યરત હતા. સરકારી અધિકારીઓ, સંસ્થાના સંચાલકો અને વચેટિયાઓની મીલીભગતથી આ કૌભાંડ ચાલતું હતું. એનજીઓને નિયમો તોડીને વિદેશી ફંડ માટે મંજૂરી આપી દેતા ગૃહ મંત્રાલયના એફસીઆરએ ડિવિઝનના અધિકારીઓની પણ તપાસ શરૂ થઈ છે. અગાઉ સીબીઆઈએ બે અધિકારીઓને લાંચ લેતા પકડી લીધા હતા.