શ્રીલંકાના પ્રેસિડન્ટ ગોટાબાયા રાજપક્ષે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર REUTERS/Altaf Hussain

આર્થિક અને રાજકીય કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકાના વડાપ્રધાને ભારતના ભરપુર વખાણ કર્યા છે. વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ બુધવારે જણાવ્યું હતું કે, ભારત સિવાય કોઇ દેશે શ્રીલંકાને ઇંધણ માટે મદદ કરી નથી. વિક્રમસિંઘેએ IMFને શ્રીલંકાના સહાય કાર્યક્રમને ઝડપથી લાગુ કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા ૧૯૪૮માં સ્વતંત્રતા મેળવ્યા પછીના સૌથી કપરા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે તેણે IMFની સહાય લેવાનો નિર્ણય કર્યો છે. સરકારે ૧૨ એપ્રિલે તમામ વિદેશી ઋણ સસ્પેન્ડ કર્યા પછી શ્રીલંકાએ વિદેશી ઋણના રિસ્ટ્રક્ચરિંગ માટે પગલાં શરૂ કરી દીધા છે. IMFની સહાય માટે આ પૂર્વશરત છે.

ચીને પણ બુધવારે શ્રીલંકાની મદદ માટે ભારતે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને જણાવ્યું હતું કે, “અમે નોંધ્યું છે કે ભારત સરકારે આ મુદ્દે નોંધપાત્ર પ્રયાસ કર્યા છે. અમે તેને બિરદાવીએ છીએ. અમે પણ ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયના અન્ય સભ્યો સાથે મળીને શ્રીલંકાને મદદ કરવા માંગીએ છીએ.”