ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવા માટે પ્રબળ દાવેદાર છે. સુરક્ષા પરિષદે માત્ર આંતરરાષ્ટ્રીય સુરક્ષા જાળવવાના તેના ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે જ નહીં, પરંતુ સુસંગત રહેવા માટે પણ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓને અનુરૂપ હોવું જોઈએ,એમ વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું.
સાઉદી અરેબિયામાં એક અખબારને આપેલી મુલાકાતમાં વિદેશપ્રધાને કહ્યું હતું કે ભારત લાંબા સમયથી સુરક્ષા પરિષદમાં સુધારાના પ્રયાસોમાં અગ્રેસર છે અને કાઉન્સિલના કાયમી સભ્ય બનવાને પાત્ર છે. ભારત સૌથી મોટી લોકશાહી, પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા, પરમાણુ ઉર્જા, ટેકનોલોજી હબ અને વૈશ્વિક કનેક્ટિવિટીની પરંપરા ધરાવતા દેશના રૂપમાં સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવા માટે મજબૂત દાવેદાર છે. તેમણે કહ્યું હતું કે કાઉન્સિલે માત્ર આંતરરાષ્ટ્રીય સુરક્ષા જાળવવાના તેના ઉદ્દેશ્યોને પરિપૂર્ણ કરવા માટે જ નહીં, પણ સુસંગત રહેવા માટે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓને અનુકૂલન કરવું આવશ્યક છે. જયશંકર બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવા શનિવારે ત્રણ દિવસની મુલાકાતે સાઉદી અરેબિયા પહોંચ્યા હતા.
વિદેશ પ્રધાન રવિવારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લેખિત સંદેશ આપ્યો હતો. તેમણે ક્રાઉન પ્રિન્સને દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ વિશે પણ માહિતગાર કર્યા હતા.












