
કિંગ ચાર્લ્સે દોષિત પીડોફાઇલ જેફરી એપ્સ્ટેઇન સાથેના વિવાદાસ્પદ સંબંધોથી રાજાશાહીને દૂર રાખવા પોતાના નાના ભાઇ અને પ્રિન્સ એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસર પાસેથી તેમના છેલ્લા બાકી રહેલા શાહી સન્માનો ઔપચારિક રીતે છીનવી લીધા હતા.
લંડન ગેઝેટે પુષ્ટિ આપી છે કે પ્રિન્સ એન્ડ્રુને 2006માં આપવામાં આવેલા ઓર્ડર ઓફ ધ ગાર્ટરનું સભ્યપદ અને 2011માં આપવામાં આવેલા નાઈટ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ વિક્ટોરિયન ઓર્ડર તરીકેની નિમણૂક રાજાના નિર્દેશ પર રદ કરવામાં આવી છે.
ગયા મહિને તેમનું HRH અને રાજકુમાર પદવી દૂર કરવાના નિર્ણયને પગલે આ પગલું લેવામાં આવ્યું છે. 65 વર્ષીય એન્ડ્રુ હજુ પણ રોયલ નેવીમાં વાઇસ-એડમિરલનો હોદ્દો ધરાવે છે, જોકે ડિફેન્સ સેક્રેટરી જોન હીલીએ કહ્યું છે કે આ દરજ્જો બકિંગહામ પેલેસ સાથે સમીક્ષા હેઠળ છે.
એપ્સ્ટેઇન સાથેના તેમના જોડાણ અને વર્જિનિયા ગિફ્રે દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર જાહેર વિરોધ વચ્ચે શાહી પરિવારમાં એન્ડ્રુનું સ્થાન અસરકારક રીતે સમાપ્ત થયું છે. આ આરોપોનો એન્ડ્ર્યુ ઇનકાર કરે છે.
એન્ડ્ર્યુએ પહેલાથી જ તેમનું રોયલ લોજ નિવાસસ્થાન ખાલી કરી દીધું છે, અને સેન્ટ જ્યોર્જ ચેપલ પરથી તેમનો કોટ ઓફ આર્મ્સ દૂર કરવામાં આવ્યો છે.













