અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે શ્રમ અને કૃષિ કાયદા જેવા કેટલાંક આર્થિક સુધારા કરવામાં આવ્યા હોવા છતાં ભારત બિઝનેસ કરવા માટે પડકારનજનક દેશ છે. અમેરિકાએ ભારતમાં બિઝનેસ સરળ બનાવવા માટે નોકરશાહી તેમજ વહીવટી અવરોધો ઘટાડવા ભારતને અપીલ કરી છે. ખાસ કરીને રોકાણને લગતા અવરોધો દૂર કરીને રોકાણ માટેનું વાતાવરણ આકર્ષક તેમજ ભરોસાપાત્ર બનાવવા અનુરોધ કર્યો છે.

અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા ૨૧ જુલાઈએ જાહેર કરેલા ”૨૦૨૧ ઈન્વેસ્ટમેન્ટ ક્લાઈમેટ સ્ટેટમેન્ટસઃ ઈન્ડિયા” નામનાં રિપોર્ટમાં જણાવાયું છે કે બિઝનેસ કરવા માટે ભારત પડકારરુપ સ્થળ છે. રિપોર્ટમાં ભારતની સરકારે પહેલા ૧૦૦ દિવસમાં બે વિવાદાસ્પદ નિર્ણયો લીધાનો ઉલ્લેખ કરાયો છે જેમાં જમ્મુ એન્ડ કાશ્મીરને સ્પેશિયલ બંધારણીય દરજ્જો આપતી કલમ ૩૭૦ હટાવવાનો તેમજ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટનો કાયદો પસાર કરવાનો સમાવેશ થાય છે.

અમેરિકાએ બિઝનેસ માટે અન્ય કેટલાક અવરોધોની યાદી રજૂ કરી હતી જેમાં નવા રક્ષણાત્મક પગલાં, ટેરિફનાં દરમાં વધારો, ચીજવસ્તુઓની ખરીદીનાં નિયમો જે સ્પર્ધાત્મકતાને મર્યાદિત કરે છે, સેનિટરી તેમજ સાયટોસેનિટરી પગલાં જે વિજ્ઞાન આધારિત નથી, સ્વચ્છતા માટેનાં નિયમો આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત નથી, ગ્લોબલ સપ્લાય ચેઈનની પ્રોસિજરનું પાલન કરાતું નથી, જેને કારણે દ્વિપક્ષીય વેપારને વધારી શકાતો નથી તેમ અમેરિકાએ જણાવ્યું હતું.

રિપોર્ટમાં એવિયેશન ક્ષેત્રમાં એફડીઆઇના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે મોટાભાગની માલિકી અને અંકુશનો નિયમ હજુ સ્પષ્ટ નથી. આ નિયમમાં ભારતીય નાગરિકો દ્વારા બહુમતી અંકુશનો આદેશ છે.

અમેરિકાએ ડેટા લોકલાઇઝેશન અને સ્ટોરેજના નિયમોનો પણ ઉલ્લેખ કર્યો છે. દેશમાં પેમેન્ટ ટ્રાન્ઝેક્શનના ડેટા સ્ટોર કરવાના આરબીઆઇના આદેશથી ખર્ચ વધ્યો છે અને સાઇબર સિક્યોરિટીઝી સામે જોખમ વધ્યું છે.