રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધને છ મહિના પછી ભારતે બુધવારે પહેલીવાર રશિયા વિરુદ્ધ મતદાન કર્યું હતું. ભારતે સંયુક્ત રાષ્ટ્રની સિક્યોરિટી કાઉન્સિલમાં યુક્રેન પર એક ‘પ્રક્રિયાત્મક મતદાન દરમિયાન રશિયા વિરુદ્ધ પહેલીવાર મતદાન કર્યું હતું. આ વોટિંગ યુએનની સિક્યોરિટી કાઉન્સિલમાં યુક્રેનના પ્રેસિડન્ટને વર્ચ્યુઅલ સંબોધનની છૂટ આપવા અંગેની દરખાસ્ત પર હતું. રશિયા આ દરખાસ્તનો વિરોધ કર્યો હતો. જોકે ભારત સહિત 13 દેશોએ તરફેણમાં મતદાન કર્યું હતું.
યુક્રેન યુદ્ધ બાદ સંયુક્ત રાષ્ટ્રમાં કેટલીયે વાર રશિયા વિરુદ્ધ મતદાન થયું છે. જોકે, આ પહેલીવાર છે કે જ્યારે ભારત રશિયા વિરુદ્ધ મતદાનમાં ભાગ લીધો છે. જ્યારે ચીને વોટ કર્યો નથી.

15 સભ્યોની સિક્યોરિટી કાઉન્સિલે યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીને આ દરમિયાન વીડિયો-ટેલીકોન્ફેન્સ દ્વારા બેઠકને સંબોધિત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. રશિયાની આર્મીએ ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો કર્યો હતો. અત્યાર સુધી ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેન અંગેની કોઇપણ દરખાસ્તમાં વોટિંગમાં ભાગ લીધો ન હતો. તેનાથી અમેરિકા સહિત પશ્ચિમી દેશો ભારતથી નારાજ છે. યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર આકરા આર્થિક અને અન્ય પ્રતિબંધો લગાવ્યા છે.

ભારતે યુક્રેન વિરુદ્ધ રશિયાએ કરેલા યુદ્ધની ટીકા કરી નથી. પરંતુ ભારતે રશિયા અને યુક્રેનને કૂટનીતિ અને સંવાદના માર્ગાથી પરત ફરવા કેટલીયે વાર અપીલ કરી છે. તેમજ બંને દેશો વચ્ચે યુદ્ધ સમાપ્ત કરીને તમામ કૂટનીતિક પ્રયાસોમાં સહયોગ કરવાનો ભરોસો વ્યક્ત કર્યો છે. ભારત બે વર્ષ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે, આ સભ્યપદનો કાર્યકાળ ડિસેમ્બરમાં સમાપ્ત થાય છે.