India to be among top three economies by 2047: Ambani
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વિશ્વના સૌથી મોટા અમેરિકાના અર્થતંત્રમાં એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં 0.6 ટકાનો ઘટાડો થયો હતો. આમ યુએસ ઇકોનોમીમાં સતત બીજા ક્વાર્ટરમાં ઘટાડો થયો છે. માર્ચના ક્વાર્ટર પછી સતત બીજા ક્વાર્ટરમાં નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો છે જે અનૌપચારીક રીતે મંદીનો સંકેત છે. જોકે ઇકોનોમીના અંડરલાઇંગ ડેટા મજબૂત છે.

અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટ ગુરુવારે જાહેરાત કરી હતી કે એપ્રિલ-જૂનના ક્વાર્ટરમાં 0.6 ટકા નેગેટિવ જીડીપી ગ્રોથ નોંધાયો હતો. અગાઉ સરકારે જૂન ક્વાર્ટર માટે 0.9 ટકા નેગેટિવ ગ્રોથનો અંદાજ આપ્યો હતો. માર્ચના ક્વાર્ટરમાં ઇકોનોમીમાં 1.6 ટકા ઘટાડો થયો હતો. આમ, તેના કરતાં સ્થિતિ સારી છે. કન્ઝ્યુમર સ્પેન્ડિંગ 1.5 ટકાના દરે વધ્યું હતું, જે માર્ચના ક્વાર્ટરમાં 1.8 ટકાના દરે વધ્યું હતું. આમ, ગ્રાહકોની ખરીદશક્તિ ઘટી છે. અમેરિકાની 70 ટકા આર્થિક પ્રવૃત્તિ કન્ઝ્યુમર સ્પેન્ડિંગ આધારીત છે. બીજી તરફ સરકારનો ખર્ચ અને બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટમાં ઘટાડો થયો હતો.

જોકે મોટાભાગના અર્થશાસ્ત્રીઓ મંદી છે કે નહીં તે અંગે સ્પષ્ટ નથી અને તેમના મતે અમેરિકામાં જોબ માર્કેટ મજબૂત છે, કંપનીઓ નવી ભરતી કરી રહી છે, બેરોજગારી દર નીચો છે. જોકે નેગેટિવ ફેક્ટરમાં ફુગાવાનો દર ચાર દાયકાની ટોચે છે અને તેને કારણે ગ્રાહકો અને કંપનીઓ બન્ને પર અસર થઈ રહી છે. ફેડરલ રિઝર્વ ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્યાજના દરમાં આકરો વધારો કરવાના મૂડમાં છે તેને કારણે મંદીનું જોખમ હોવાનું અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે.

ફેડ દ્વારા વ્યાજના દર વધતા હાઉસિંગ માર્કેટ પર અસર થઈ હતી અને મકાનોનાં બાંધકામમાં 16.2 ટકાનો ઘટાડો થયો હતો. નવા અને જૂના મકાનોનું વેચાણ નોંધપાત્ર ઘટ્યું છે અને જુલાઈમાં નવા મકાનોનું બાંધકામ છેલ્લાં એક વર્ષમાં સૌથી ઓછું રહ્યું છે. જુલાઈમાં કન્ઝ્યુમર પ્રાઈસ ગયા વર્ષે જુલાઈની સરખામણીમાં 8.5 ટકા વધારે હતા. જોકે જૂનમાં તેમાં 9.1 ટકા વધારો જોવાયો હતો. જૂનથી જુલાઈ દરમિયાન ફુગાવો થોડો નરમ પડ્યો છે, છતાં હજી ઘણો વધારે છે.