India whitewashed New Zealand and topped the ODI rankings
ન્યૂઝીલેન્ડ સામે ઇન્દોરમાં મંગળવાર, 24 જાન્યુઆરીએ રમાયેલી વન-ડે શ્રેણીની અંતિમ ત્રીજા મેચમાં વિજય મેળવીને ભારતે વન-ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાને આવી ગયું હતું. (PTI Photo/Shashank Parade)

ન્યૂઝીલેન્ડ સામે ઇન્દોરમાં મંગળવાર, 24 જાન્યુઆરીએ રમાયેલી વન-ડે શ્રેણીની અંતિમ ત્રીજા મેચમાં વિજય મેળવીને ભારતે વન-ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાને આવી ગયું હતું. ભારતીય ટીમે 90 રને જ્વલંત વિજય મેળવીને ન્યૂઝીલેન્ડનો શ્રેણીમાં 3-0થી વ્હાઈટવોશ કર્યો હતો. ભારતે ઘરઆંગણે સતત સાતમી શ્રેણી જીતીને પોતાનો જ અગાઉ સળંગ છ સિરીઝ જીતવાનો રેકોર્ડ પણ તોડ્યો હતો.

અગાઉ ન્યૂઝીલેન્ડની ટીમ વન-ડેમાં નંબર વન હતી. કેપ્ટન રોહિત શર્મા અને ઓપનર શુભમન ગિલની સદીની મદદથી ભારતે મજબૂત શરૂઆત કરી હતી અને નિર્ધારિત ઓવરમાં નવ વિકેટ 385 રન ખડક્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી કોન્વેએ લડત આપતા સદી ફટકારી હતી, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન તેનો સાથ આપી શક્યો નહતો અને કિવી ટીમ 41.2 ઓવરમાં 295 રનમાં સમેટાઈ ગઈ હતી.

ભારત સામે ત્રીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. રોહિત શર્માએ 101 રન અને શુભમન ગિલે 112 રન કરતા પ્રથમ વિકેટ માટે 212 રનની ભાગીદારી કરી હતી. ભારતના બંને ઓપનરે સદી ફટકારી હોય તેવો આ દસમો પ્રસંગ હતો. ન્યૂઝીલેન્ડની ટીમે બીજા જ બોલ પર ફિન એલનની શૂન્ય રને વિકેટ ગુમાવતા શરૂઆતથી દબાણ હેઠળ આવી ગઈ હતી.

ભારત આઈસીસી વન-ડે રેન્કિંગમાં 114 રેટિંગ પોઈન્ટ સાથે મોખરાના સ્થાને પહોંચી છે. જ્યારે 113 અંક સાથે ઈંગ્લેન્ડ બીજા, 112 રેટિંગ અંક સાથે ઓસ્ટ્રેલિયા ત્રીજા અને 111 અંક સાથે ન્યૂઝીલેન્ડ ચોથા ક્રમે રહી છે. પાકિસ્તાન 106 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે રહ્યું છે.

LEAVE A REPLY

five × 1 =