કોરોના વાઇરસનો રોગચાળો ઝડપથી ફેલાતાં અમેરિકામાં વસતા ઘણા પ્રતિષ્ઠિત ઇન્ડિયન અમેરિકન જૂથોએ ભંડોળ એકત્ર કરવાનું અને વ્યાપક સમાજને મદદરૂપ થવા સ્વયંસેવકો મોકલવાનું શરૂ કર્યું છે. સમગ્ર વિશ્વમાં જોઈએ તો શુક્રવારની સ્થિતિ મુજબ દસ લાખથી વધુ લોકો કોરોનાથી ચેપગ્રસ્ત છે. એકલા અમેરિકામાં જ 2, 45, 000થી વધુ લોકો ચેપગ્રસ્ત છે અને 6000થી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં પણ અત્યારે અંદાજે 2300થી વધુ લોકોને ચેપ લાગેલો છે અને 56 લોકોના મોત થયા છે.

કેટલાક લોકો અને સેવા ઇન્ટરનેશનલ જેવી સંસ્થાઓ વિવિધ રાહત કાર્યો માટે આગળ આવી છે. સેવા ઇન્ટરનેશનલ દ્વારા રાહત કાર્યો માટે 250, 000 ડોલર એકત્ર કરવામાં આવ્યા છે. આ ભંડોળથી માસ્ક, સર્જિકલ માસ્ક જેવા સલામતીના સાધનો ખરીદવામાં આવશે. ન્યૂયોર્ક સ્થિત હોટેલિયર દંપતી કેકે અને ચંદ્રા મહેતાએ ભારતના વડા પ્રધાન મોદીના સીટીઝનશિપ આસિસ્ટન્સ એન્ડ રીલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન (PM CARE) માં એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દંપતીએ તેમના વતનના રાજ્ય રાજસ્થાનમાં લોકોને માસ્ક અને ફૂડ પેકેટ્સ માટે 11 લાખ રૂપિયા દાન કર્યા છે.

ફ્લોરિડામાં ટેમ્પા સ્થિત ચંદ્રકાંત પટેલ આવતા ત્રણ મહિના સુધી છત્તીસગઢમાં 300 પરિવારોને ફૂડ પેકેટ્સ વિતરણ કરવામાં મદદ કરશે. બોસ્ટનના રહેવાસી અમિત બેનર્જીએ આવતા ત્રણ મહિના સુધી 20 શ્રમિકોનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. અમેરિકામાં ગ્રોસરી ચેઇન ધરાવતા પટેલ બ્રધર્સે જણાવ્યું છે કે, તેઓ સ્થાનિક તંત્રને અનાજ અને ભોજન સામગ્રી વિતરણ કરવામાં મદદ કરી રહ્યા છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ બોસ્ટનમાં જરૂરતમંદ લોકોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરે છે. જુદા જુદા શીખ ગુરદ્વારા અને શીખ સંસ્થાઓએ સીએટલ, ન્યૂ યોર્ક, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ અને અમેરિકાના અન્ય વિસ્તારોમાં સામૂદાયિક રસોડા શરૂ કર્યા છે અને નિશૂલ્ક ભોજનનું વિતરણ કરે છે. બિહાર અને ઝારખંડ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા દ્વારા સ્થાનિક ભાષામાં લોકજાગૃત્તિના વીડિયો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે. આવા કપરા સમયમાં ઇન્ડિયન અમેરિકન્સ ફક્ત સ્થાનિક લોકોને જ નહીં પરંતુ ભારતમાં તેમના વતનના રાજ્યમાં પણ મદદ કરવા આગળ આવ્યા છે.