(Photo by Michael Ciaglo/Getty Images)

કેલિફોર્નિયાની ઇન્ડિયન અમેરિકન મહિલાને ઘરઘાટી પાસે બળજબરીપૂર્વક મજૂરી કરાવવા બાદ 15 વર્ષની જેલની સજા થઈ છે. શર્મિષ્ટા બારાઈ અને તેમના પતિ સતીશ કર્તનને બળજબરીપૂર્વકના મજૂરો મેળવવાના કાવતરા બદલ ફેડરલ જ્યુરીએ દોષી જાહેર કર્યા છે.

સતીષ કર્તન માટે 22 ઓક્ટોબરે સજાની જાહેરાત થશે. આ ઇન્ડિયન અમેરિકન દંપતિએ ઘરઘાટીને દિવસમાં 18 કલાક સુધી ગુલામી કરવાની ફરજ પાડી હતી. દંપતિએ પીડિતોને ધાકધમકી આપી હતી અને તેમની સાથે હિંસા પણ આચરી હતી. આ બાબત પીડિત વ્યક્તિના વ્યક્તિગત હક, સ્વતંત્રતા અને સન્માનના હકનું અસંવેદનશીલ ઉલ્લંઘન છે.

કોર્ટની કાર્યવાહી દરમિયાન રજૂ કરવામાં આવેલા દસ્તાવેજ અને પુરાવા મુજબ ફેબ્રુઆરી 2014થી ઓક્ટોબર 2016 દરમિયાન કર્તન અને બારાઈએ સ્ટોકહોમ, કેલિફોર્નિયામાં તેમના ઘરમાં કામ કરવા માટે વિદેશમાંથી કામદારો લાવ્યા હતા. ઇન્ટરનેટ અને ભારત ખાતેના વર્તમાનપત્રોમાં ઘરઘાટી માટેની જાહેરખબરમાં દંપત્તિએ વેતન અને કામગીરીના પ્રકાર અંગે ખોટા દાવા કર્યા હતા.

ફેડરલ પ્રોસેક્યુટરે દાવો કર્યો હતો કે કામદારો આવી ગયા બાદ કર્તન અને બારાઈએ મર્યાદિત આરામ અને પોષણ સાથે દિવસમાં 18 કલાક સુધી મજૂરી કરવાની ફરજ પાડી હતી. કામદારોને ઘર છોડવા દેવાની પણ પરવાનગી આપી ન હતી અને ધાકધમકી આપીને કામ કરવાની ફરજ પાડી હતી.