ભારતીય સેનાએ પહેલગામ હુમલાને કારણે આ વર્ષની અતિ સંવેદનશીલ માનવામાં આવતી અમરનાથ યાત્રાની સુરક્ષા માટે લોખંડી વ્યવસ્થા કરી છે. સેનાએ આ માટે ‘ઓપરેશન શિવા 2025’ શરૂ કર્યું છે. આ ઓપરેશનનો ઉદ્દેશ અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ભારતે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરતા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું.
પાકિસ્તાન સમર્થિત ત્રાસવાદી સંગઠનો દ્વારા વળતો હુમલો કરવાની ધમકીઓ વચ્ચે આ વર્ષે અમરનાથ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે ઓપરેશન શિવાનો ધ્યેય છે. સ્થાનિક તંત્ર અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ)એ સંયુક્ત સંકલન સાથે આ મિશન હાથ ધર્યું છે. અમરનાથ યાત્રાના બંને મુખ્ય રસ્તા બાલતાલ તથા પહેલગામ માર્ગ પર મજબૂત સુરક્ષા માળખું સ્થપવામાં આવ્યું છે. આ માટે યાત્રાના માર્ગ પર 8,500થી વધુ જવાનો તહેનાત છે. આ સૈનિકોને આધુનિક સાધનોથી સજ્જ કરાયા છે. ઓપરેશન અંતર્ગત લશ્કરના જવાનો સ્થાનિક તંત્રને ડિઝાસ્ટર રિસ્પોન્સ અને કટોકટી રાહત કાર્યોમાં પણ સહકાર પૂરો પાડી રહ્યા છે. લશ્કરના જણાવ્યા મુજબ અમરનાથ યાત્રા રૂટ પર મુખ્ય સુરક્ષા વ્યવસ્થામાં હવાઈ નિરીક્ષણ (C-UAS) ગ્રીડ સામેલ છે જે 50 C-UASથી સજ્જ છે અને ડ્રોન સહિતના સંભવિત હુમલાને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.
આ ઉપરાંત ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ પણ સક્રિય છે. યાત્રાના બંને રૂટ પર પણ લાઇવ મોનિટરિંગ, હવાઈ નિરીક્ષણ સાથે ચાંપતી નજર રાખવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. માર્ગ પર 150 ડોક્ટર્સની ટીમ પણ ખડેપગે છે સાથે મેડિકલ ટીમ, બે અદ્યતન ડ્રેસિંગ સ્ટેશનો, નવ મેડિકલ સેવા પોસ્ટ તથા 100 બેડની હોસ્પિટલની સુવિધા પણ છે. આ સાથે 26 ઓક્સિજન બૂથ ઊભા કરાયા છે જેમાં બે લાખ લિટર ઓક્સિજનનો પુરવઠો ઉપલબ્ધ છે. ઈમર્જન્સીની સ્થિતિને પહોંચી વળવા લશ્કરના હેલિકોપ્ટર્સ પણ સ્ટેન્ડ બાય રખાયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
