
યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર તરીકે ભારતની મુલાકાતે આવેલા સર ડેવિડ બેકહામનું મુંબઈની હોટેલમાં ગલગોટાના હાર, આરતી અને તિલક સાથે ભવ્ય પરંપરાગત સ્વાગત કરાયું હતું. માન્ચેસ્ટર યુનાઇટેડ અને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફૂટબોલ સ્ટાર સર ડેવિડ બેકહમે મુંબઈમાં તેમના સ્વાગતનો એક વીડિયો શેર કર્યો હતો.
આ પછી તેને દાલ કી ચાટ કેવી રીતે બનાવવી તેના પર પણ હાથ અજમાવ્યો હતો. તેને નાની કટોરીમાં દાળ રેડી, ચટણી ઉમેરી, અને વાનગીને તબક્કાવાર બનાવી હતી. બેકહમે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે તે સ્વાગત અને આ નવા અનુભવ માટે આભારી છે. તેને કહ્યું હતું કે તે મુંબઈમાં સુંદર યાદો બનાવી રહ્યો છે.
બાળકો અને કિશોરો પર ધ્યાન કેન્દ્રિત કરતા યુનિસેફ દ્વારા સમર્થિત સમુદાય કાર્યક્રમોની બેકહામે હાજરી આપી હતી. દક્ષિણ મુંબઈના કૂપરેજ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે તેમણે ઓસ્કાર ફાઉન્ડેશનના યુવા ખેલાડીઓ સાથે ફૂટબોલ રમ્યો હતો. ઓસ્કાર ફાઉન્ડેશન સ્પોર્ટસનો ઉપયોગ કરીને જીવનના આવશ્યક કૌશલ્યો શીખવે છે.
મુંબઈ પહોંચતા પહેલા, ડેવિડ બેકહામે 26 નવેમ્બરના રોજ વિશાખાપટ્ટનમમાં મહાત્મા જ્યોતિબા ફૂલે આંધ્રપ્રદેશ પછાત વર્ગ કલ્યાણ શૈક્ષણિક સંસ્થા સોસાયટીની શાળાની મુલાકાત લીધી હતાં. અહીં તેમણે જોયું હતું કે કેવી રીતે શિક્ષકો અને મંત્ર4ચેન્જ અને એજ્યુકેશન અબોવ ઓલ જેવા જૂથો છોકરીઓને સારું શિક્ષણ મેળવવામાં મદદ કરી રહ્યા છે.
બેકહામે સોશિયલ મીડિયામાં એક વીડીયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તે બાળકો સાથે ફૂટબોલ રમતો દેખાય છે. પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતમાં તેનો દિવસ ખૂબ જ સારો રહ્યો. ડેવિડ બેકહામની ભારત મુલાકાત દર્શાવે છે કે તે બાળકો અને શિક્ષણ પ્રત્યે કેટલો ઊંડો પ્રેમ રાખે છે. તેમના વીડિયો અને ફોટાને ઓનલાઈન યુઝર્સ તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો.












