(ANI Photo)

દિલજિત દોસાંજ ‘સરદારજી 3’ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે કામ કરી રહ્યો હોવાનું બહાર આવતાં તેની સામે ઘણો વિરોધ થઈ રહ્યો હતો. ભારતે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મુક્યો હોવાથી ભારતમાં તેની ફિલ્મ રિલીઝ પણ થઈ શકી નહોતી.

આ સ્થિતિમાં દિલજીતે વિદેશોમાં આ ફિલ્મને રિલીઝ કરતાં તેને ‘બોર્ડર 2’માંથી હટાવવામાં આવ્યો છે તેવું કહેવાય છે. જોકે, આ વિવાદો દરમિયાન તાજેતરમાં દિલજિતે ‘બોર્ડર 2’ માટેના એક ગીતના શૂટિંગ દરમિયાનનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં બેકગ્રાઉન્ડમાં ‘બોર્ડર’નું યાદગાર ગીત ‘સંદેશે આતે હેં’ પણ વાગતું હતું. દિલજિત એરફોર્સના યુનિફોર્મમાં દેખાતો હતો. આમ આ વીડિયો દ્વારા તેણે તે હજુ પણ ફિલ્મમાં હોવાની વાત જાહેર કરી હતી.

હવે એવું જાણવા મળ્યું છે કે દિલજિત પર ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોય્ઝ (FWICE) દ્વારા મુકવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવાયો છે. અગાઉ તેમણે દિલજિત સામે અસહકારની જાહેરાત કરી હતી. સંગઠનના પ્રેસિડેન્ટ બી એન તિવારીએ કહ્યું કે, નિર્માતા ભુષણકુમારે વ્યક્તિગત રીતે ફેડરેશનને વિનંતી કરી હતી કે તેઓ દિલજિતને આ ફિલ્મ માટે શૂટ કરવાની મંજુરી આપે. તે પછી અમે આ ફિલ્મ માટે પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે.

જોકે, આ નિર્ણય ફેડરેશનના સભ્યોની સંમતિથી જ લેવાયો છે. આ અંગે સંગઠન સાથે જોડાયેલા નિર્માતા અશોક પંડિતે જણાવ્યું, ‘અમારો દિલજિત સામેનો અસહકાર યથાવત છે. ભવિષ્યમાં તેની સાથે કામ કરવા ઇચ્છતા બધાં જ લોકો આ બાબતે તૈયાર રહે. પછી જો તેમને આર્થિક નુકસાની ભોગવવી પડશે તો તેના માટે ફડરેશન જવાબદાર રહેશે નહીં.’

જોકે, આનંદ પંડિતે સ્વીકાર્યું કે ‘બોર્ડર 2’માં કોઈ પાકિસ્તાની કલાકાર નથી. સાથે તેમણે એવી પણ દલીલ હતી કે, આ ફિલ્મ દેશભક્તિ પ્રકારની ફિલ્મ છે, જેના કેન્દ્રમાં ભારતની સેનાઓ છે, તેથી દિલજિત માટે પાકિસ્તાની કલાકાર સાથેની ફિલ્મનો મુદ્દો વધુ સંવેદનશીલ બની જાય છે.

સંગઠન દ્વારા અગાઉ દિલજિત પર પ્રતિબંધ મુકીને નિર્માતાઓને દિલજિત સાથે સંબંધો કાપવા અપીલ કરાઈ હતી. તેમણે કહ્યું હતું, ‘જો તમે તેની સાથે જોડાશો તો એવું જણાશે કે તમે દેશહિતનો ઊંડો વિરોધ ધરાવો છો. કલાત્મક અને વ્યાપારિક બાબતો દેશભક્તિની ભાવનાથી વિશેષ નથી. આપણી ઇન્ડસ્ટ્રી અને દેશ માટેનું માન સર્વોચ્ચ હોવું જોઈએ.’

LEAVE A REPLY