ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા (ANI Photo)

સાઉદી અરેબીઆના જેદ્દાહમાં ગયા સપ્તાહે યોજાઈ ગયેલી સાઉદી સ્મેશ 2024 ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભારતની મનિકા બત્રા ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચ્યા પછી જાપાનની વિશ્વની નં. 5 ક્રમાંકિત હરીફ હિના હાયાતા સામે પરાજય સાથે સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી, તો એ સિવાયના અન્ય ભારતીય ખેલાડીઓ તો પ્રિકવાર્ટર ફાઈનલ સુધી પણ માંડ પહોંચી શક્યા હતા.

મનિકા જો કે, છેલ્લા આઠ સુધીની સ્તરે પણ મહત્ત્વની ડબ્લ્યુટીટી ઈવેન્ટમાં પહોંચી હોય તેવી સૌપ્રથમ ભારતીય ખેલાડી છે. તેની જાપાની હરીફે ક્વાર્ટર ફાઈનલમાં મનિકાને 7-11, 11-6, 11-4, 13-11 અને 11-2થી હરાવી હતી. આ અગાઉ જો કે મનિકાએ બીજા રાઉન્ડમાં વિશ્વની નં. બે ક્રમાંકિત ચીની હરીફ વાંગ માન્યુને મંગળવારે તેમજ ત્રીજા રાઉન્ડમાં જર્મનીની નિના મિટ્ટેલહામને 11-6, 11-9 તથા 11-7થી હરાવ્યા હતા. જર્મન હરીફને મનિકાએ ફક્ત 22 મિનિટમાં વિદાય કરી દીધી હતી. નિના સામે મનિકાનો ચોથા મુકાબલામાં આ સૌપ્રથમ વિજય હતો.

મહિલા ડબલ્સમાં ભારતની અયહિકા મુખરજી તથા સુતિર્થા મુખરજીનો ગયા સપ્તાહે મંગળવારે પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં જાપાનની મિયુ નાગાસાકી અને સાઉથ કોરીઆની કિમ નાયેઓંગ સામે ફક્ત 43 મિનિટના મુકાબલામાં 6-11, 11-9, 10-12, 11-6, 11-8 થી પરાજય થયો હતો.

પુરૂષોની ડબલ્સમાં પણ ભારતના માનુષ શાહ અને માનવ ઠક્કર પ્રિક્વાર્ટર ફાઈનલ્સમાં સ્લોવાકીઆના લુબોમિર પિસ્ટેજ તથા હોંગકોંગના ચાન બાલ્ડવિન સામે 18-20, 11-4, 11-6, 9-11, 11-7થી પરાજય થયો હતો.

તો મિક્સ્ડ ડબલ્સમાં હરમિત દેસાઈ અને યશસ્વિની ઘોરપડેનો ચીનની પ્રથમ ક્રમાંકિત જોડી – વાંગ ચુક્વીન તથા સન યિંગશા સામે ક્વાર્ટર ફાઈનલમાં 6-11, 10-12, 4-11થી પરાજય થયો હતો.

LEAVE A REPLY

fifteen − 9 =