આંતરરાષ્ટ્રીય મની લોન્ડરીંગ અને માનવ તસ્કરીમાં સંડોવાયેલા વેસ્ટ લંડન સ્થિત ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગ્રુપના ભારતીય મૂળના પુરુષો અને મહિલા સહિત 16 જણાને દોષીત ઠેરવવામાં આવ્યા છે. જેમને 11 સપ્ટેમ્બર 2023થી શરૂ થનારી સુનાવણીમાં સજા સંભળાવવામાં આવશે.

બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સી (એનસીએ)એ બે વર્ષ ચાલેલી જટિલ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી £1.5 મિલિયન જપ્ત કર્યા હતા. ક્રિમિનલ નેટવર્કના સભ્યોએ 2017 અને 2018 વચ્ચે દુબઈ અને UAEની સેંકડો ટ્રિપ કરીને £42 મિલિયનથી વધુ રોકડ રકમ યુકેની બહાર મોકલી હતી. જે રકમ પ્રતિબંધિત ક્લાસ એ ડ્રગ્સના વેચાણ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં નફો કરી મેળવાયેલી હતી.

ડચ પોલીસ અધિકારીઓએ 2019માં ટાયર વહન કરતી વેન પાંચ બાળકો અને એક સગર્ભા મહિલા સહિત 17 માઇગ્રન્ટને લઇને હોલેન્ડના હૂક ખાતે ફેરી સુધી પહોંચે તે પહેલાં ઝડપી લઇ તસ્કરીમાં ગેંગના સભ્યોને સંડોવતા કાવતરાનો પણ પર્દાફાશ કર્યો હતો.

નવેમ્બર 2019માં, સૌ પ્રથમ હન્સલોમાં રહેતા ગેંગના મુખ્ય સૂત્રધાર ચરણ સિંહને વહેલી સવારે દરોડા પાડી પકડ્યો હતો. સિંઘ અગાઉ યુએઈમાં રહેતો હતો અને તેણે નેટવર્કના અન્ય સભ્યો રોકડ લઈ જઇ શકે તે માટે દુબઈની ફ્લાઈટ માટે નાણાં ચૂકવ્યા હતા. તેની પાસેની બુકમાંથી કેટલા નાણાં મોકલાયા તેની વિગતો હતી. 2017 દરમિયાન સિંઘ અને તેના કુરિયર્સ દ્વારા દુબઈની ઓછામાં ઓછી 58 ટ્રીપ કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ ધરપકડો કરાઇ હતી અને જાન્યુઆરી 2023માં ક્રોયડન ક્રાઉન કોર્ટમાં બે ટ્રાયલ ચલાવાયા હતા.

પહેલી ટ્રાયલમાં રિંગ લીડર ચરણ સિંઘ, વલજીત સિંઘ, જસબીર સિંઘ કપૂર, જસબીર સિંઘ ધલને મની લોન્ડરીંગ માટે દોષી ઠેરાવાયા હતા.  સ્વેન્ડર સિંઘ ધલ ક્રિમિનલ મિલકતનો નિકાલ કરવાનું ષડયંત્ર રચવા માટે તેમજ ઈમિગ્રેશન કાયદાના ઉલ્લંઘનમાં મદદ કરવા માટે જ્યારે દિલજન સિંઘ મલ્હોત્રા ઈમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન કરવામાં મદદ કરવા માટે દોષી ઠરાવાયા હતા. બીજી ટ્રાયલમાં અમરજીત અલાબાદીસ, જગીન્દર કપૂર, જેકડાર કપૂર, મનમોન સિંઘ કપૂર, પિન્કી કપૂર અને જસબીર સિંઘ મલ્હોત્રાને ક્રિમિનલ મિલકતના નિકાલ માટે દોષી ઠરાવાયા હતા અને ચાર મહિનામાં તેમની સજાની જાહેરાત થાય ત્યાં સુધી જામીન આપવામાં આવી હતી. બે જણાને ગેરકાયદેસર ઇમિગ્રેશન બદલ દોષિત ઠેરવ્યા હતા.

LEAVE A REPLY

1 × 4 =