સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની તાજેતરમાં ધરપકડ અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયની ટિપ્પણીને ભારત સરકારે તદ્દન બિનજરૂરી ગણાવીને ફગાવી હતી. ભારત સરકારે તિસ્તા સામે કરાયેલી કાર્યવાહીને દેશની સ્વતંત્ર ન્યાય વ્યવસ્થાને અનુરૂપ ગણાવી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાના નિવેદનને સંપૂર્ણપણે બિનજરૂરી ગણાવ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ મામલે પ્રતિક્રિયા આપતાં નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય ઓથોરિટીએ સ્થાપિત ન્યાયિક નિયમો મુજબ કાયદાના ઉલ્લંઘન વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે OHCHRએ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી.
તિસ્તા સામેની કાર્યવાહી અંગે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાની ટિપ્પણી પર, બાગચીએ કહ્યું હતું કે સેતલવાડ કેસ પર OHCHRની ટિપ્પણી સંપૂર્ણપણે ગેરવાજબી છે અને તે ભારતની સ્વતંત્ર ન્યાય વ્યવસ્થામાં દખલ કરનારી છે. આવી કાનૂની કાર્યવાહીને ઉત્પીડન ગણાવવી ભ્રામક અને અસ્વીકાર્ય છે. યુએન માનવાધિકાર એજન્સીએ તેના ટ્વિટર પર જણાવ્યું હતું કે, ‘અમે તિસ્તા સેતલવાડ તથા બે ઉચ્ચ ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓની ધરપકડ અને અટકાયતથી ખૂબ ચિંતિત છીએ અને તેમની તાત્કાલિક મુક્તિની માગ કરીએ છીએ.’