PHOTO SOCIAL MEDIA

નાસાના પ્રથમ માર્સ હેલિકોપ્ટરનું નામ આપવાનું બહુમાન 17 વર્ષની ઇન્ડિયન અમેરિકન વનીઝા રૂપાણીને મળ્યું છે. અલાબામાના નોર્થપોર્ટમાં હાઇસ્કૂલની જુનિયર ગ્રેડની વિદ્યાર્થીની વનીઝાએ નાસાની ‘નેઇમ ધ રોવર’ સ્પર્ધામાં નિબંધ મોકલતા તેને આ સન્માન પ્રાપ્ત થયું છે. તે એક ગ્રહ ઉપરથી બીજા ગ્રહ પર ઉડ્ડયનો પ્રયાસ કરનારૂં પ્રથમ હવાઈ જહાજ બનવાનું છે. નાસાના માર્સ હેલિકોપ્ટરનું સત્તાવાર નામ “ઈન્જેન્યુઈટી” (ચાતુર્ય) આપવામાં આવ્યું છે, જે વનીઝાએ સૂચવ્યું હતું.

નાસાએ માર્ચમાં એવી જાહેરાત કરી હતી કે તેના નવા રોવરનું નામ સાતમા ગ્રેડના વિદ્યાર્થી એલેક્ઝાંડર મેથરના નિબંધ પર આધારિત “પર્સિવરન્સ” આપવામાં આવશે, ત્યારે જ એજન્સીએ હેલિકોપ્ટર માટે પણ એક નામ પસંદ કરવાનું નક્કી કર્યું જે રોવરની સાથે માર્સ તરફ જશે. નાસાએ ટ્વીટમાં જણાવ્યું છે કે, અમારા માર્સ હેલિકોપ્ટરનું નવું નામ “ઈન્જેન્યુઈટી” છે. વિદ્યાર્થિની વનીઝા રૂપાણીએ નેમ ધ રોવર સ્પર્ધામાં આ નામ સૂચવ્યું હતું.

“ઈન્જેન્યુઈટી” લાલ ગ્રહ મંગળ ઉપર પર્સિવર સાથે અન્ય વિશ્વમાં પ્રથમ ઉડાનનો પ્રયાસ કરશે. વનીઝાની સાથે અમેરિકાના દરેક રાજ્યમાંથી કે-12ના વિદ્યાર્થીઓએ અંદાજે 28 હજાર નિંબધ મોકલ્યા હતા, જેની જાહેરાત નાસાએ બુધવારે કરી હતી. નાસાના જણાવ્યા મુજબ વનીઝાએ, પોતાના નિબંધમાં લખ્યું હતું કે, આંતરગ્રહીય મુસાફરીના પડકારોને પહોંચી વળવા સખત મહેનત કરતા લોકોનું જે ચાતુર્ય અને તેજસ્વીતા છે તે આપણને અવકાશ સંશોધનના અદભૂત અનુભવો કરવાની મંજૂરી આપે છે. તેની માતા નૌશીન રૂપાણીના જણાવ્યા પ્રમાણે, વનીઝાને બાળપણથી જ અવકાશ વિજ્ઞાનમાં રૂચિ હતી. તેના પિતાની સાથે દરરોજ સ્કૂલે જતી વખતે તે બંને જાણે અવકાશયાનમાં સફર કરતા હોય તેવી કલ્પના કરતા હતા.

વનીઝાએ નાસાને જણાવ્યું હતું કે, મારા માટે નિબંધ રજૂ કરવાની બાબત સૌથી વધુ મહત્ત્વની હતી. મેં વિચાર્યું હતું કે, હેલિકોપ્ટર માટે “ઈન્જેન્યુઈટી” એક સારું નામ હશે, કારણ કે આ મશીનની ડિઝાઇન કરવામાં “ઈન્જેન્યુઈટી” જ મુખ્ય બાબત હતી. હેલિકોપ્ટર, એક અનોખો પ્રોજેક્ટ છે, અને તેનો હિસ્સો બનવા બદલ હું રોમાંચિત છું. “ઈન્જેન્યુઈટી” અને પર્સીવરન્સ જુલાઈમાં લોંચ થશે અને તે આવતા ફેબ્રુઆરીમાં માર્સના જેઝેરો ક્રેટર ખાતે ઉતરશે, ત્યાં સરોવર છે અને તેનું અસ્તિત્વ 3.5 બિલિયન વર્ષથી છે.

નાસાના જણાવ્યા મુજબ રોવર માર્સના નમૂનાઓ એકત્ર કરશે ત્યારે હેલિકોપ્ટર ઉડાન ભરવાનો પ્રયાસ કરશે અને સફળ થાય તો તે ભવિષ્યના માર્સ મિશનને તેના સંશોધનમાં હવાઈ પરિમાણ ઉમેરવામાં સહયોગ કરશે. “મને ગર્વ છે કે નાસાના મંગળ હેલિકોપ્ટરનું નામ નોર્થપોર્ટ, અલાબામાની વનીઝા રૂપાણીએ નામ આપ્યું છે.