
ચીનના તિયાનજિનમાં બે દિવસીય શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન રવિવાર, 31 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તેઓ ભારત-ચીન સંબંધોને પરસ્પર વિશ્વાસ, આદર અને સંવેદનશીલતાના આધારે આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.બંને દેશોએ સરહદ પર સૈનિકોને પાછા બોલાવી લીધા પછી શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ સર્જાયું છે.
મોદીએ જણાવ્યું હતું કે ઉષ્માભર્યા સ્વાગત માટે હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. ગયા વર્ષે અમે કાઝાનમાં ખૂબ જ અર્થપૂર્ણ ચર્ચા કરી હતી, જેણે અમારા સંબંધોને સકારાત્મક દિશા આપી હતી. મોદીએ કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અને બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ વિશે પણ વાતચીત કરી હતી.
મોદીએ જણાવ્યું હતું કે આપણી વચ્ચેનો સહયોગ આપણા બંને રાષ્ટ્રોના 2.8 અબજ લોકોના હિત સાથે જોડાયેલો છે. આ સમગ્ર માનવતાના કલ્યાણનો માર્ગ પણ મોકળો કરશે. અમે પરસ્પર વિશ્વાસ, આદર અને સંવેદનશીલતાના આધારે આપણા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.
જિનપિંગે જણાવ્યું હતું કે ભારત અને ચીન માટે મિત્રો અને સારા પડોશી બનવું મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી, તમને ફરીથી મળીને ખૂબ આનંદ થયો. હું SCO સમિટ માટે ચીનમાં તમારું સ્વાગત કરું છું. ગયા વર્ષે કાઝાનમાં અમારી વચ્ચે સફળ બેઠક થઈ હતી. અમે વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો છીએ અને અમે ગ્લોબલ સાઉથના મહત્વપૂર્ણ સભ્યો પણ છીએ. અમારા બંનેના ખભામાં અમારા બંને લોકોના કલ્યાણમાં સુધારો કરવાની, વિકાસશીલ દેશોની એકતા અને કાયાકલ્પને પ્રોત્સાહન આપવાની અને માનવ સમાજની પ્રગતિને પ્રોત્સાહન આપવાની ઐતિહાસિક જવાબદારી છે. બંને દેશો માટે સારા પડોશી અને સૌહાર્દપૂર્ણ સંબંધો ધરાવતા મિત્રો, એકબીજાની સફળતાને સક્ષમ બનાવનારા ભાગીદારો અને ડ્રેગન અને હાથીને એકસાથે લાવવા એ યોગ્ય પસંદગી છે.
ચીનના પ્રેસિડન્ટે કહ્યું હતું કે બંને દેશોએ વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી સંબંધોને સંભાળવાની જરૂર છે.આપણે બહુપક્ષીયતા, બહુધ્રુવીય વિશ્વ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં વધુ લોકશાહીને જાળવી રાખવા તથા એશિયા અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાની આપણી ઐતિહાસિક જવાબદારીઓ નિભાવવી જોઈએ.
સાત વર્ષમાં પીએમ મોદીની આ પહેલી ચીન મુલાકાત છે. જૂન 2020માં પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી ઘાતક અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.ઓક્ટોબર 2024માં કરાર હેઠળ ડેમચોક અને ડેપસાંગના છેલ્લા બે ઘર્ષણ બિંદુઓથીથી બંને દેશોએ એકબીજાના સૈનિકોને પાછા બોલાવી લીધા હતા અને તેનાથી સરહદ પરની તંગદિલીમાં ઘટાડો થયો હતો.
આ વર્ષે ચીનમાં યોજાઈ રહેલી SCO પ્લસ સમિટમાં 10 સભ્ય દેશો ઉપરાંત બીજા 10 દેશના નેતાઓ હાજરી આપી રહ્યાં છે. આ સમીટમાં રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન પણ ભાગ લેશે, તે 2001માં SCOની સ્થાપના પછી વિશ્વના સૌથી વધુ નેતાઓ આ સમીટમાં હાજરી આપી રહ્યાં છે. ચીન, ભારત અને રશિયા ઉપરાંત, આ જૂથમાં ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને બેલારુસનો સમાવેશ થાય છે.
