Indian youth jailed in call center scam

અમેરિકામાં ગેરકાયદે વસતો 28 વર્ષીય ભારતીય નાગરિક કોલ સેન્ટર કૌભાંડમાં દોષિત ઠરતા તેને 29 મહિનાની જેલ સજા ફટકારવામાં આવી હોવાનું, યુએસ એટર્ની આલમદાર એસ. હમદાણીએ જાહેર કર્યું હતું. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ્રુ એસ. હેનને મોઇન ઇદરિશભાઇ પિંજારાને સજાના ભાગરૂપે પીડિતોને 635,103 ડોલરનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો અને જેલ સજા ભોગવ્યા પછી તેનો દેશ નિકાલ થાય તેવી પણ સંભાવના છે.

ડિસેમ્બર 2019થી જુલાઇ 2020 દરમિયાન મોઇન પિંજારાએ ભારતમાં કોલ સેન્ટર કૌભાંડ આચર્યું હતું. ભારતસ્થિત કોલ કરનારાઓએ અમેરિકામાં સંભવિત પીડિતોને સંપર્ક કરતા હતા અને તેમની પાસેથી બળજબરીપૂર્વક નાણા મેળવતા હતા. પીડિતોએ જુદા જુદા નામે અને ઓળખના ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે મોકલેલા રોકડ ભરેલા પાર્સલ્સ મોઇન પિંજારા એકત્ર કરતો હતો. ફેડરલ એજન્ટસની તપાસમાં આ કૌભાંડનો સેંકડો લોકો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે, અને તેમને મિલિયન્સ ડોલરનું નુકસાન થયું છે.

આ કેસમાં હ્યુસ્ટનમાં પિંજારા અગાઉ તેના ત્રણ સાગરિતોને પણ સજા થઇ ચૂકી છે. જેમાં ભારતના નાગરિક અને અમેરિકામાં ગેરકાયદે રહેતા વિરલ ગાંધી અને બુરહાન સૈયદ (બંનેની ઉંમર 33 વર્ષ)ને અનુક્રમે 27 મહિના અને 41 મહિનાની સજા ફટકારવામાં આવી છે. જ્યારે હ્યુસ્ટનની રહેવાસી 33 વર્ષીય માઇશા કાર્ટરને 71 મહિનાની જેલ સજા અને તે પછી તાત્કાલિક ત્રણ વર્ષની નિરીક્ષણ હેઠળ સજા ફટકારવામાં આવી છે. આ તમામને પીડિતોને વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

4 × 4 =