ગુજરાતના પરંપરાગત ગરબાનો યુનેસ્કોના સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશની ઉજવણી કરવા માટે ઇન્ડિયન કમ્યુનિટીના સભ્યોએ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે ગરબા કર્યા કર્યા હતા. શહેરનું આ આઇકોનિક સ્થળ ગરબાના લય અને સંગીતથી ઝુમી ઉઠ્યું હતું. ટાઇમ્સ સ્ક્વેર ખાતેના બિલબોર્ડ પર ગરબા પરનો એક ખાસ વીડિયો પણ દર્શાવાયો હતો.

ગુરુવારે મોડી સાંજે બરફ જેવી ઠંડી વચ્ચે ન્યુ જર્સી સહિત ન્યુ યોર્ક ટ્રાઇ-સ્ટેટ વિસ્તારની આસપાસના ડાયસ્પોરાના સભ્યો ટાઈમ્સ સ્ક્વેર પર ગરબા કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

આ સપ્તાહની શરૂઆતમાં યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટેની આંતરસરકારી સમિતિએ બોત્સ્વાનાના કસાનેમાં તેના 18મા સત્ર દરમિયાન માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં ‘ગુજરાતના ગરબા’નો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો હતો.

પરંપરાગત ગરબા વસ્ત્રોમાં સજ્જ પુરુષો અને સ્ત્રીઓએ પરંપરાગત ગુજરાતી ગરબા કર્યા હતા. ગુજરાતની આ કલાને જોવા માટે ન્યુ યોર્કવાસીઓ અને વિશ્વભરના પ્રવાસીઓ ઊભા રહી ગયા હતા તથા ફોટા અને વીડિયો લીધા હતા. કેટલાક વિદેશીઓ તો ગરબામાં તાલ પણ ઝુમ્યા હતા.

ટાઈમ્સ સ્ક્વેર સેલિબ્રેશનમાં સમુદાયને સંબોધતા ન્યૂયોર્ક ખાતેના ભારતના કાર્યવાહક કોન્સ્યુલ જનરલ ડૉ. વરુણ જેફે જણાવ્યું હતું કે “આપણે ગુજરાતના ગરબા અને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં તેના સમાવેશની ઉજવણી કરીએ તે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પ્રસંગ ઘટના છે. આ ઉજવણીઓ માત્ર ગરબાની ઉજવણી નથી, પરંતુ આ ભારતની વૈવિધ્યસભર, જીવંત અને પ્રખ્યાત પરંપરાઓ, વારસા અને સંસ્કૃતિની ઉજવણી છે. “વિશ્વના ક્રોસરોડ્સ” ગણતા ટાઇમ્સ સ્કેવરમાં ગરબાની ઉજવણી ખરેખર વિશિષ્ટ અને અપ્રતિમ છે.

અગ્રણી ડાયસ્પોરા સંસ્થા ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન NY-NJ-NE (FIA) અને ભારતીય સમુદાયના સભ્યોએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. FIAના અધ્યક્ષ અંકુર વૈદ્યએ આ પ્રસંગને “ઐતિહાસિક” ગણાવીને કહ્યું કે ભારતીય-અમેરિકન ડાયસ્પોરા ગરબાના શોખીન છે.

LEAVE A REPLY

four × 1 =