બીજા વિશ્વયુદ્ધના 77 વર્ષ પછી પણ પોલેન્ડની સરકાર ભારતના બે મહારાજાઓએ આપેલ આશ્રયને દર વર્ષે યાદ કરે છે. આ બે મહારાજાઓ પૈકીના જામનગરના જામસાહેબ–દિગ્વિજયસિંહજી રણજીતસિંહ જાડેજાએ જામનગર નજીક બાલાછડી કેમ્પમાં એક હજારથી વધુ પોલિશ બાળકોને આશ્રય આપ્યો હતો. જ્યારે મહારાષ્ટ્રના કોલ્હાપુરના રાજવી કુટુંબે પાંચ હજારથી વધુ પોલિશ મહિલાઓ અને બાળકોને જાણીતા વાલીવડે કેમ્પમાં આશ્રય આપ્યો હતો. આ ઐતિહાસિક કડીની સ્મૃતિમાં, તાજેતરમાં પ્રતિષ્ઠિત રોયલ લેઝિએન્કી પાર્કની ઓલ્ડ ઓરેન્જરીમાં “રીમેમ્બરિંગ ધ ગુડ મહારાજા” નામના એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે છત્રપતિ શિવાજીના વંશજ એવા સંભાજી છત્રપતિ અને નવાનગરના જામસાહેબના પ્રતિનિધિ ડો. પિયુષકુમાર મટાલિયા ભારતથી ખાસ વિમાન મારફતે પોલેન્ડ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ રાજદૂત નગમા એમ. મલ્લિક અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સના પ્રમુખ ડો. વિનય સહસ્રબુદ્ધે એ કર્યું હતું.
મોઝોવિયા પ્રાંતના વોઇવોડ એવા મહામહિમ કોન્સ્ટેન્ટી રાડઝિવિત્તએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પોલેન્ડ પ્રજાસત્તાકના વિદેશ મંત્રાલયના સુરક્ષા, અમેરિકા, એશિયા અને પૂર્વીય નીતિના અન્ડર સેક્રેટરી માર્સિન પર્ઝિદાસ્ઝ, સેનેટના વાઇસ માર્શલ બોગદાન બોરુસેવિચ અને પોલેન્ડ-ભારત સંસદીય મિત્રતા જૂથના અધ્યક્ષ મેડમ માલગોર્ઝાતા પેપેક એ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.. ભારતમાં પોલેન્ડના રાજદૂત એડમ બુરાકોવસ્કીએ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
એસોસિએશન ઓફ પોલ્સના પ્રમુખ આન્દ્રેઝ જાન ચેન્ડિન્સકીએ પોતે બાળપણમાં વલીવડે કેમ્પમાં રહ્યા હતા, તે દિવસોની તેમની યાદોને તાજી કરી હતી. નવાનગર કેમ્પમાં રહેલા વિસ્લો સ્ટાયપુલાએ પણ કેમ્પ વખતના તેમના અનુભવો જણાવ્યા હતા. બાળપણમાં કેમ્પમાં રહી ચૂકેલા પોલિશ મિત્રોએ આ સમારોહમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી.