
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં ભારતીય સંસદસભ્યોના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ન્યૂયોર્કમાં 9/11 મેમોરિયલની મુલાકાત લીધી હતી અને આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી.
શશિ થરૂરે કહ્યું હતું કે 9/11 સ્મારકની મુલાકાત એકતાની ભાવનામાં હતી અને અમારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી. આનો હેતુ એક ખૂબ જ મજબૂત સંદેશ આપવાનો પણ હતો કે અમેરિકાથી વિપરીત ભારતે ઘણી મોટી સંખ્યામાં આતંકવાદી હુમલાઓ સહન કરવા પડ્યા છે, પરંતુ ત્રાસવાદ એક વૈશ્વિક સમસ્યા છે. તે એક મહામારી છે અને આપણે બધાએ તેની સામે એક થઈને લડવું જોઈએ.
શનિવારે બપોરે ન્યૂયોર્ક પહોંચેલા પ્રતિનિધિમંડળે લોઅર મેનહટનમાં નેશનલ સપ્ટેમ્બર 11 મેમોરિયલ એન્ડ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અને મેમોરિયલ પૂલ પર કોતરાયેલા કેટલાક પીડિતોના નામ પર ગુલાબ રાખ્યાં હતાં. આ પ્રસંગે ભારતીય ડાયસ્પોરાના સભ્યો પણ હાજર રહ્યાં હતાં.
આતંકવાદ સામે ભારતના એકતા અને દૃઢ વલણને રજૂ કરવાના હેતુથી રાજદ્વારી સંપર્કના ભાગ રૂપે, સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ 3 જૂનની આસપાસ વોશિંગ્ટન ડીસી પરત ફરતા પહેલા ન્યુ યોર્કથી ગુયાના, પનામા, કોલંબિયા અને બ્રાઝિલનો પ્રવાસ કરશે.
પ્રતિનિધિમંડળના અન્ય સભ્યોમાં સંસદ સભ્ય (રાજ્યસભા) ભુવનેશ્વર કલિતા, સંસદ સભ્ય (રાજ્યસભા) મિલિંદ મુરલી દેવરા, સંસદ સભ્ય (લોકસભા) શશાંક મણિ ત્રિપાઠી, સંસદ સભ્ય (લોકસભા) ગંતિ હરીશ મધુર અને યુએસમાં ભૂતપૂર્વ ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુનો સમાવેશ થાય છે.
