India's massive victory against New Zealand by 65 runs
(Photo by Hannah Peters/Getty Images)

ભારતીય ક્રિકેટ ટીમનો ટી-20 વર્લ્ડ કપનો દેખાવ નિરાશાજનક રહ્યા પછી હવે ન્યૂ ઝીલેન્ડના પ્રવાસમાં ટીમે યજમાનને રવિવારે (20 નવેમ્બર) રમાયેલી બીજી ટી-20માં 65 રનના જંગી માર્જીનથી હરાવી આ ફોર્મેટમાં ફરી એકવાર પોતાનું કૌવત બતાવ્યું. એ પહેલા શુક્રવારની પહેલી ટી-20 મેચ વરસાદના કારણે એકપણ બોલ રમાયા વિના ધોવાઈ ગઈ હતી. 

વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતીય બોલિંગે સાવ નિરાશ કર્યા હતા, તે ઈંગ્લેન્ડની એક પણ વિકેટ ખેરવી શક્યું નહોતું. તેની સામે રવિવારની મેચમાં આ જ બોલિંગ એટેકે ન્યૂ ઝીલેન્ડને 19 ઓવરમાં ઓલઆઉટ કરી દીધું હતું. 

રવિવારની મેચમાં ન્યૂ ઝીલેન્ડે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ લેવા કહ્યું હતું. ભારતે સૂર્યકુમાર યાદવની ઝંઝાવાતી અણનમ સદી સાથે 6 વિકેટે 191 રન કર્યા હતા. સૂર્યકુમારે ફક્ત 51 બોલમાં સાત છગ્ગા અને 11 ચોગ્ગા સાથે અણનમ 111 રન કર્યા હતા. યાદવને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. તેના સિવાય ઓપનર ઈશાન કિશને 31 બોલમાં 36 રનનો બીજો મહત્ત્વનો ફાળો આપ્યો હતો. 

ન્યૂ ઝીલેન્ડ તરફથી લોકી ફર્ગ્યુશન સૌથી મોંઘો રહ્યો હતો, તેણે ચાર ઓવરમાં 49 રન આપી બે મહત્ત્વની વિકેટ લીધી હતી, તો ટીમ સાઉધીએ છેલ્લી ઓવરમાં હેટટ્રિક સાથે સૌથી પ્રભાવશાળી દેખાવ કરતાં ચાર ઓવરમાં 34 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. ઈશ સોઢીએ એક વિકેટ ખેરવી હતી.   

192 રનના વિજયના ટાર્ગેટ સામે મેદાને પડેલી ન્યૂ ઝીલેન્ડની ટીમે ભૂવનેશ્વરની પહેલી ઓવરમાં જ પહેલી વિકેટ તો ગુમાવી દીધી હતી, પણ એ પછી કોનવે અને સુકાની કેન વિલિયમસને બીજી વિકેટની ભાગીદારીમાં 8 ઓવરમાં 56 રન કર્યા હતા. 10મી ઓવરમાં 69 રને ત્રીજી વિકેટ ગુમાવ્યા પછી ન્યૂ ઝીલેન્ડની ટીમ પડકારનો સામનો કરવા સક્ષમ હોય તેવું ક્યારેય લાગ્યું નહીં. એક તરફ સુકાની વિલિયમસન છેડો સાચવીને ધીમી છતાં મક્કમ ગતિએ સ્કોર કરતા રહ્યા હતા, તો બીજા છેડે સતત આવનજાવન ચાલુ રહી હતી. 

ભારત તરફથી દીપક હુડાએ 2.5 ઓવરમાં ફક્ત 10 રન આપી ચાર વિકેટ લીધી હતી, તે 19મી અને ન્યૂ ઝીલેન્ડની ઈનિંગની છેલ્લી ઓવરમાં હેટટ્રીકના આરે પહોંચી ગયો હતો, જો કે એ સિદ્ધિ ચૂકી ગયો હતો. તે સિવાય મોહમદ સિરાજે ચાર ઓવરમાં એક મેઈડન સાથે 24 રન આપી બે તેમજ યુઝવેન્દ્ર ચહલે ચાર ઓવરમાં 26 રન આપી બે વિકેટ લીધી હતી. ભૂવી 3 ઓવરમાં ફક્ત 12 રન આપી એક વિકેટ તથા વોશિંગ્ટન સુંદરે બે ઓવરમાં 24 રન આપી એક વિકેટ લીધી હતી. સુકાની હાર્દિક પંડ્યાએ આશ્ચર્યજનક રીતે બોલિંગ કરી જ નહોતી. 

LEAVE A REPLY

3 + seventeen =