REUTERS/Thaier Al-Sudani

ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવા માટે ભારતે બુધવારે ઓપરેશન અજય ચાલુ કરવાની જાહેરાત કરી હતી. આ ઓપરેશન ગુરુવારથી ચાલુ થયું છે. ભારત સરકાર વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્સ દ્વારા ભારતીય નાગરિકોને પરત લાવશે. જો જરૂરિયાત ઊભી થશે તો ભારતીય નૌકાદળના જહાજોને પણ સેવામાં જોડવામાં આવશે.

વિદેશ પ્રધાન એસ જયશંકરે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આપણા નાગરિકો કે જેઓ પરત ફરવા ઈચ્છે છે તેમના ઈઝરાયેલથી પરત લાવવા માટે #OperationAjay લોન્ચ કરી રહ્યા છીએ. વિશેષ ચાર્ટર ફ્લાઇટ્સ અને અન્ય સુવિધા ઊભી કરાશે. વિદેશમાં આપણા નાગરિકોની સલામતી અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે તેને ગુરુવાર (12 ઓક્ટોબર)એ વિશેષ ફ્લાઇટ માટે નોંધાયેલા ભારતીય નાગરિકોના પ્રથમ હપ્તાને ઇ-મેઇલ કર્યો છે. “અન્ય નોંધાયેલા લોકોને બીજી ફ્લાઇટ મારફત ભારત લવાશે.
બીજી તરફ ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને શાંત અને સતર્ક રહેવાની સલાહ આપતા તેલ અવિવ ખાતેના ભારતના રાજદૂત સંજીવ સિંગલાએ કહ્યું હતું કે દૂતાવાસ તમારી સુરક્ષા અને કલ્યાણ માટે સતત કામ કરી રહ્યું છે. આપણે બધા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, પરંતુ શાંત અને જાગ્રત રહો અને સ્થાનિક સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરો. અમે તમને મદદ કરવા માટે અહીં છીએ. અમે સ્થિતિ પર નજીકથી નજર રાખીએ છીએ અને દૂતાવાસના કોઇપણ અપડેટથી માહિતગાર રહો.

એક આંકડા અનુસાર ઈઝરાયલમાં ભારતીયોની સંખ્યા 18,000 જેટલી છે. તેઓ વર્ક કે સ્ટડી માટે ત્યાં ગયા છે. અહી ઘણા ભારતીયો કેરટેકર તરીકે પણ કામ કરે છે. ઇઝરાયેલમાં ભારતના એક હજાર વિદ્યાર્થીઓ, અનેક આઈટી પ્રોફેશનલ અને હીરા વેપારીઓ પણ છે.

LEAVE A REPLY

14 + 1 =