યુક્રેન પર રશિયાના આક્રમણ અને કોરોના મહામારીને કારણે સપ્લાયના અવરોધને પગલે અમેરિકા, બ્રિટન અને ભારતમાં મોંઘવારી માઝા મૂકી રહી છે. અમેરિકામાં માર્ચ મહિનામાં કન્ઝ્યુમર ફુગાવો 8.5 ટકાના સ્તરે પહોંચ્યો હતો, જે 1981 પછીથી સૌથી ઊંચા સ્તરે છે.

ભારતમાં ખાદ્યચીજો મોંઘી બનતા માર્ચ મહિનામાં રિટેલ ફુગાવાનો દર 17 મહિનાની ટોચે 6.95 ટકા થઈ ગયો હતો, જે રિઝર્વ બેન્કના 6 ટકાના લક્ષ્યાંક કરતાં ઘણો વધારે છે.

બીજી તરફ બ્રિટનમાં કન્ઝ્યુમર પ્રાઇસ ફુગાવા માર્ચમાં ઉછળીને 7.0 ટકા થયો હતો, જે માર્ચ 1992 પછીથી સૌથી ઊંચા સ્તરે છે. ફેબ્રુઆરીમાં ફુઘાવો 6.2 ટકા હતો. સીપીઆઇમાં આ વાર્ષિક ધોરણે મોટા ભાગના અર્થશાસ્ત્રીની ધારણા કરતા વધુ રહ્યો હતો. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના આક્રમણ પછી બ્રિટનમાં એનર્જીના ભાવમાં તીવ્ર વધારો થયો હતો. ગયા મહિને બ્રિટનની ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીએ અંદાજ મૂક્યો હતો કે કન્ઝ્યુમર પ્રાઇસ ફુગાવો 2022ના અંતિમ ક્વાર્ટરમાં 8.7 ટકાના 40 વર્ષની ટોચે પહોંચી શકે છે. બ્રિટનના ફાઇનાન્શિયલ માર્કેટ માને છે કે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ પાંચ મેએ વ્યાજદરને 0.75 ટકાથી વધારીને 1 ટકા કરી શકે છે. વ્યાજદરો 2022ના અંત સુધીમાં 2થી 2.25 ટકા થવાની ધારણા છે.

ભારતમાં ફુગાવો સતત ત્રણ મહિનાથી તે 6 ટકાથી વધારે જોવા મળ્યો છે, જેને કારણે ફુગાવાના મોરચે ચિંતા વધી ગઈ છે. છેલ્લાં ત્રણ મહિનાનો સરેરાશ રિટેલ ફુગાવાનો દર 6.34 ટકા થયો છે. ફુગાવામાં વધારાને પગલે વ્યાજદરમાં પણ વધારાની ચિંતા ઊભી થઈ છે. માર્ચનો કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારીત ફુગાવાનો દર 6.95 ટકા થયો હતો, જે ફેબ્રુઆરીમાં 6.07 ટકા હતો. માર્ચ-2021માં તે 5.52 ટકા હતો. ખાદ્યચીજોનો ફુગાવાનો દર 7.68 ટકા થયો હતો, જે ફેબ્રુઆરીમાં 5.95 ટકા હતો. માર્ચ-2021માં તે 4.87 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)એ મંગળવારે જાહેર કરેલા આંકડા અનુસાર ઓઈલ-ફેટ કેટેગરીમાં માર્ચમાં ફુગાવો 18.79 ટકા વધ્યો હતો. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ખાદ્યતેલના ભાવ ખાસ્સા ભડક્યા છે. શાકભાજીમાં ફુગાવાનો દર વધીને 11.64 ટકા થઈ ગયો હતો. તાજેતરના દિવસોમાં લીંબુના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે જેની અસર હજી એપ્રિલ મહિનાના આંકડામાં જોવા મળશે.