Rate hike again in US UK Europe , fight inflation

વિશ્વભરમાં ફુગાવાની સમસ્યા વકરી રહી હોવાથી વ્યાજદરમાં વધારાનો ટ્રેન્ડ ચાલુ થયો છે. ગયા સપ્તાહે ભારત, યુકે અને અમેરિકાની સેન્ટ્રલ બેન્કોએ બેકાબુ બની રહેલા ફુગાવાને અંકુશમાં લેવામાં વ્યાજદરમાં ધરખમ વધારો કર્યો હતો. ફુગાવો વધીને 10 ટકા થવાની વોર્નિંગ સાથે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે 5મેએ વ્યાજદર 0.75 ટકાથી વધારીને એક ટકા કર્યા છે, જે 2008ની ફાઇનાન્શિયલ કટોકટી પછીની સૌથી ઊંચા વ્યાજદર છે. આ સાથે બ્રિટનમાં વ્યાજદર 13 વર્ષના સૌથી ઉચ્ચતમ સ્તર 1% પર પહોંચ્યા છે.
બેન્કે આગાહી કરી છે યુકે ટેકનિકલ મંદીમાંથી બચી જશે, પરંતુ આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઉત્પાદન ઘટીને એક ટકા થઈ જશે. 2023માં વાર્ષિક જીડીપીમાં 0.25 ટકા ઘટાડો થવાની ધારણા છે.
બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા આ સતત ચોથો વ્યાજદર વધારો છે. બ્રિટિનમાં આ વર્ષે વાર્ષિક ફુગાવો 10 ટકાથી ઉપર જવાની આશંકા છે. બીઓઈના પોલિસી ધડવૈયાઓએ એક ટકા સુધી વ્યાજદર વધારવા માટે બેઠકમાં 6-3થી મત આપ્યો છે. 2009ની વૈશ્વિક નાણાકીય કટોકટી બાદ પ્રથમ વખત બ્રિટનમાં વ્યાજદર 1% થશે. અમુક સભ્યોએ વ્યાજદરને 1.25% સુધી વધારવાની પણ હાકલ કરી હતી. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં પણ ફુગાવો વધી રહ્યો હોવાથી અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં અડધા ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.
અમેરિકાની ફેડરલ રિઝર્વ બુધવારે વ્યાજદરમાં 22 વર્ષમાં સૌથી મોટો વધારો કર્યો હતો. અમેરિકામાં મોંઘવારી ૪૧ વર્ષની ટોચે પહોંચતા યુએસ ફેડે વ્યાજદરમાં વધારો કરવાની શરૂઆત માર્ચ મહિનાથી કરી હતી અને બુધવારે પૂરી થયેલ FOMCની બેઠકમાં પણ વ્યાજદરમાં ૦.૫૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.અમેરિકાની સેન્ટ્રલ બેંકે વર્ષ ૨૦૦૦ બાદનો આ સૌથી મોટો વ્યાજદર વધારો કરવાની સાથે આગામી સમયમાં વધુ વ્યાજદર વધારાની આગાહી કરી છે. આગામી બેઠકમાં પણ ૦.૫૦ ટકાનો વધારો સંભવિત છે.
ફુગાવાને અંકુશમાં લેવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બુધવારે તેની ઇમર્જન્સી મીટિંગમાં રેપો રેટ (ધિરાણદર) 0.40 ટકા વધારીને 4.40 ટકા કર્યા છે. રિઝર્વ બેન્કે પહેલી ઓગસ્ટ 2018 પછીથી પ્રથમ વખત વ્યાજદરમાં આ વધારો કર્યો છે. ભારતમાં માર્ચ 2022માં રિટેલ ફુગાવો આશરે 7 ટકા રહ્યો હતો અને તેમાં વધારાનો ટ્રેન્ડ છે.
સેન્ટ્રલ બેન્કના આ નિર્ણયથી દેશની બીજી બેન્કો પણ વ્યાજદરમાં વધારો કરશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રેપો રેટમાં વધારાની જાહેરાત કરી હતી. રેપોરેટ વધતા જ તમામ પ્રકારની લોન પણ મોંઘી થશે. કેટલીક બેંકોએ અગાઉથી લોનના વ્યાજ વધારી પણ દીધા છે. તાજેતરમાં જ HDFCએ પણ હોમ લોનનું વ્યાજ 0.05 ટકા વધાર્યું હતું રેપો રેટ એટલે એવો દર કે જે દરે રિઝર્વ બેંક અન્ય બેંકોને ધીરાણ કરે છે. અત્યારસુધી આ ધિરાણ ચાર ટકાના દરે મળતું હતું, જે હવે 4.40 ટકાના દરે મળશે. જેના કારણે બેંકો પણ પોતાનું માર્જિન જાળવી રાખવા માટે લોનના વ્યાજ દર વધારશે. તેના કારણે કદાચ તમારી હોમ લોનનો EMI ના વધે, પરંતુ વ્યાજ દરના વધારા અનુસાર તેનો સમયગાળો લંબાઈ શકે છે. દેશમાં વ્યાજદર છેલ્લા કેટલાક સમયથી ઐતિહાસિક નીચા સ્તરે હતા.