બોલીવૂડના બાજીગર શાહરુખ ખાને અમેરિકાની એક ક્રિકેટ લીગ સાથે જોડાણ કર્યું છે. શાહરુખ અને આ લીગ સાથે મળીને લોસ એન્જલસમાં ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરશે.
એક નિવેદન અનુસાર 15 એકર જમીનમાં આ સ્ટેડિયમ બનાવવામાં આવશે. તેમાં 10 હજાર લોકો બેસી શકે એવી વ્યવસ્થા હશે. લોસ એન્જલસના ગ્રેટ પાર્ક ખાતે આ સ્ટેડિયમ બનશે. શાહરુખ આ સ્ટેડિયમ તથા લીગ સાથેના કરાર દ્વારા અમેરિકામાં કરોડો ડોલરનું રોકાણ કરશે. શાહરુખની માન્યતા અનુસાર અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય બહુ રોમાંચક છે. આ સ્ટેડિયમને કારણે ત્યાંના લોકોની ક્રિકેટ માટેની રુચિમાં ખૂબ મોટું પરિવર્તન આવશે. સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું એક્રેડિટેશન મળે તે માટે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ અનુસારની પીચ તથા અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવશે. અમેરિકામાં ક્રિકેટની રમત ખાસ લોકપ્રિય નથી એવું માનવામાં આવે છે. પરંતુ, હકીકતમાં અહીંના લોકોનો ક્રિકેટમાં રસ વધી રહ્યો છે. 2024માં યોજાનારી ટી20 ટુર્નામેન્ટનું યજમાન પદ વેસ્ટ ઇન્ડિઝની સાથે અમેરિકાની મળશે. લોસ એન્જલસમાં 2028માં યોજાનારી ઓલિમ્પિકમાં ક્રિકેટને પણ સ્થાન મળે તેવા પ્રયાસો થઇ રહ્યા છે.
ક્રિકેટ સિવાય જો શાહરુખ ખાનની નવી ફિલ્મોની વાત કરીએ, તો તેની પાસે અત્યારે ત્રણ ફિલ્મો છે. તે યશરાજ બેનરની ફિલ્મ ‘પઠાણ’માં કામ કરી રહ્યો છે. જેના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ છે. તે ફિલ્મમાં દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ છે. ‘પઠાણ’ જાન્યુઆરી 2023માં રિલીઝ થશે. આ સિવાય તે સાઉથના ડાયરેક્ટરની નવી ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને નયનતારા સાથે જોવા મળશે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત હજુ કરવાની બાકી છે. શાહરુખની ત્રીજી ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર હિરાણીની ‘ડંકી’ છે. જેનું ટીઝર હમણાં જ રિલીઝ થયું હતુ, જેમાં શાહરુખ ખાન સાથે તાપસી પન્નુ જોવા મળશે.