શ્રીલંકાની એક કોર્ટે ભૂતપૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે, તેમના પુત્ર અને સંસદ સભ્ય નમલ રાજપક્ષે તેમજ બીજા કેટલાક સાંસદો સહિત કુલ 16 લોકોને વિદેશ જવા મનાઈ ફરમાવી છે. પોલીસે કરેલી અરજીના પગલે, ફોર્ટ મેજીસ્ટ્રેટ દ્વારા ફરમાવાયું હતું કે, આ લોકોએ કોલંબોમાં સરકાર વિરૂદ્ધ શાંતિપૂર્વક દેખાવો કરી રહેલા લોકો ઉપર સોમવારે (9 મે) કરેલા જીવલેણ હુમલા અને તેના પગલે દેશમાં ફાટી નિકળેલી હિંસાના મુદ્દે તેમની સામે તપાસ ચાલી રહી છે. આ તમામને તેમના પાસપોર્ટ પણ કોર્ટમાં જમા કરાવી દેવા જણાવાયું છે.
ગોટા ગો ગામા અને માયના ગો ગામા ખાતે સરકાર વિરોધી દેખાવસારો શાંતિથી દેખાવો કરી રહ્યા હતા ત્યાર ભૂતપૂર્વ વડાપ્રધાનના સમર્થકોએ તેમના ઉપર હિંસક હુમલા કરતાં ઓછામાં ઓછા 9 લોકોના મોત નિપજ્યા હતા અને બીજા 300થી વધુને ઈજાઓ થઈ હતી.
પોલીસના ક્રિમિનલ ઈન્વેસ્ટીગેશન ડિવિઝન દ્વારા સોમવારની હિંસાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે કરેલી વિનંતીના આધારે કોર્ટે આ નેતાઓને વિદેશ જવા ઉપર મનાઈ ફરમાવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી, વેસ્ટર્ન પ્રોવિન્સના સિનિયર ડીઆઈજી દેશબંદુ ટેન્નાકૂન સામે પણ તપાસ ચાલી રહી છે.
શ્રીલંકામાં સોમવારે ફાટી નિકળેલી અભૂતપૂર્વ હિંસાના પગલે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ બુધવારે રાત્રે એવી જાહેરાત કરી હતી કે, સોમવારની ઘટનામાં ઉશ્કેરણી કરનારાઓ સામે પગલાં લેવાશે.