. REUTERS/Ronen Zvulun

ગાઝા યુદ્ધ વચ્ચે ઇરાને શનિવારની મોડીરાત્રે ઇઝરાયેલ પર સીધો હુમલો કરતાં મધ્યપૂર્વમાં તંગદિલીમાં મોટો વધારો થયો હતો. ઇરાને ઇઝરાયેલ પર અનેક ડ્રોન અને મિસાઇલ છોડ્યાં હતા. જોકે મોટાભાગના ડ્રોન અને મિસાઇલને ઇઝરાયેલ અને અમેરિકાએ તોડી પાડ્યાં હતા. આ હુમલામાં 7 વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઇઝરાયેલી સૈન્યએ રવિવારે જણાવ્યું હતું કે ઇરાને ઇઝરાયેલ પર એક રાતમાં 300થી વધુ ડ્રોન અને મિસાઇલો છોડી હતી, જેમાંથી 99% તોડી પાડવામાં આવ્યા હતાં. સશસ્ત્ર દળો સંપૂર્ણપણે કાર્યરત છે અને ભાવિ વિકલ્પોની ચર્ચાવિચારણા કરી રહ્યા છે.

અમેરિકાએ ઇઝરાયેલને લોખંડી સમર્થન આપવાની જાહેરાત કરેલી છે ત્યારે ઇરાનના આ હુમલાથી સંઘર્ષમાં વધારો થવાની શક્યતા છે. ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઇરાને ઇઝરાયેલ પર જમીનથી જમીન પર પ્રહાર કરતા ડઝનેક મિસાઇલોથી હુમલો કર્યો હતો. મોટાભાગની મિસાઇલો ઇઝરાયેલ સરહદોની બહાર તોડી પાડવામાં આવી હતી. ઇરાને 10થી વધુ ક્રુઝ મિસાઈલો પણ છોડી હતી. ઇરાને 200 ડ્રોન અને મિસાઇલો છોડી હતી અને હુમલા ચાલુ રહ્યાં હતાં. સંઘર્ષનો અંત આવ્યો નથી અને ઇઝરાયેલી દળો હજુ પણ આવનારા જોખમોને અટકાવી રહ્યાં છે.

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને શનિવારે જણાવ્યું હતું કે યુએસ દળોએ ઇરાન દ્વારા ઇઝરાયેલ પર છોડવામાં આવેલા “લગભગ તમામ” ડ્રોન અને મિસાઇલોને તોડી પાડી હતી. તેમણે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને તેમના “લોખંડી” સમર્થનની પુનઃ પુષ્ટિ કરી હતી. બાઇડને એક નિવેદનમાં ઉમેર્યું હતું કે તેઓ ઈરાનના  હુમલા માટે “સંયુક્ત રાજદ્વારી પ્રતિસાદ”નું સંકલન કરવા શ્રીમંત રાષ્ટ્રોના G7 જૂથના તેમના સાથી નેતાઓને રવિવારે બોલાવશે.

ઇઝરાયેલની ચેનલ 12 ટીવીએ એક અનામી ઇઝરાયેલ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ઇઝરાયેલ આ હુમલાનો જડબાતોડ જવાબ આપશે. કેટલાંક ડ્રોન અમેરિકાની આર્મીએ તોડી પાડ્યા હતા. ઈઝરાયલની એરિયલ ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમે પણ ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને તોડી પાડી હતી.

પહેલી એપ્રિલે ઇઝરાયલે સીરિયામાં ઈરાની એમ્બેસી નજીક કરેલા હવાઇ હુમલામાં ઈરાનના બે ટોચના આર્મી કમાન્ડર સહિત 13 લોકોના મોત થયાં હતાં. ઇરાને આ હુમલાનો બદલે લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મીડિયા રીપોર્ટ મુજબ અમેરિકાએ ઈરાનના 70 ડ્રોન અને ત્રણ બેલેસ્ટિક મિસાઈલ ઇન્ટરસેપ્ટ કરી હતી. અમેરિકન યુદ્ધ જહાજોએ ભૂમધ્ય સમુદ્ર પર બેલેસ્ટિક મિસાઇલોને ઇન્ટરસેપ્ટ કરી હતી. આ ઉપરાંત અમેરિકન ફાઈટર જેટ પણ ઈરાની હુમલાને રોકતા જોવા મળ્યાં હતાં. સીએનએનના જણાવ્યા અનુસાર ભૂમધ્ય સમુદ્રમાં યુએસ નેવીના બે યુદ્ધ જહાજો તૈનાત છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઈરાનના હુમલાની નિંદા કરી હતી. યુએસ પ્રમુખ જો બાઇડને શુક્રવારે ઈરાનને હુમલા સામે ચેતવણી આપી હતી. બાઇડને વ્હાઇટ હાઉસ સિચ્યુએશન રૂમમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોને મળવા માટે તેમના ગૃહ રાજ્ય ડેલવેરની મુલાકાત ટૂંકાવી દીધી હતી. તેમણે ઈઝરાયલની સાથે ઊભા રહેવાનું વચન આપ્યું હતું.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું ગાઝા યુદ્ધ હવે તેના સાતમા મહિનામાં પ્રવેશ્યું છે ત્યારે આ ક્ષેત્રમાં તંગદિલીમાં વધારો થયો છે.

ચીનના વિદેશ મંત્રાલયે વધતા તણાવ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગાઝામાં યુદ્ધ બીજી જગ્યાએ ફેલાઈ રહ્યું છે. તેને રોકવા માટે યુદ્ધવિરામની તાત્કાલિક જરૂર છે. બંને પક્ષોએ શાંતિથી કામ કરવું જોઈએ, જેથી સંઘર્ષને રોકી શકાય.

 

 

LEAVE A REPLY

18 − seven =