ન્યાયતંત્રને આધીન બાબતો પર મેસેજિસ, ટિપ્પણીઓ અને લેખો પોસ્ટ કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારની આડમાં સોશિયલ મીડિયામાં થતી આવી પોસ્ટ્સ ન્યાયમાં દખલગીરી સમાન છે.

કોર્ટે ચુકાદા માટે અનામત રખાયેલ કેસ અંગે આસામના ધારાસભ્ય કરીમ ઉદ્દીન બરભુઈયાની ગેરમાર્ગે દોરતી ફેસબુક પોસ્ટ માટે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરતી વખતે આ અવલોકન કર્યું હતું.

કોર્ટે જણાવ્યું હતું કે તે ગંભીર ચિંતાનો વિષય છે કે આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ભારે દુરુપયોગ થઈ રહ્યો છે જેના પર કોર્ટમાં પેન્ડિંગ મામલાઓના સંદર્ભમાં મેસેજિસ, ટિપ્પણીઓ, લેખો વગેરે પોસ્ટ કરવામાં આવે છે. જોકે અમારા ખભા કોઈપણ ભાર અથવા ટીકા સહન કરી શકે તેટલા મજબૂત છે, તેમ છતાં, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારની આડમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ્સ કરવામાં આવે છે, જે કોર્ટની સત્તાની અવગણના કરે છે અથવા ન્યાયમાં દરમિયાનગીરી કરે છે. આવી પોસ્ટ્સ ગંભીર વિચારણાને પાત્ર છે.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે વકીલો દ્વારા કરવામાં આવતી દલીલો દરમિયાન ન્યાયાધીશો માટે ક્યારેક પક્ષકારની તરફેણમાં અને ક્યારેક વિરુદ્ધ પ્રતિક્રિયા આપવી તે ખૂબ જ સામાન્ય બાબત છે. જોકે તે કોઈપણ પક્ષકારો અથવા તેમના વકીલોને તથ્યોને વિકૃત કરતી ટિપ્પણીઓ અથવા મેસેજિસ પોસ્ટ કરવાનો અધિકાર મળતો નથી. જ્યારે કોઇ પક્ષકાર દ્વારા આવો પ્રયાસ કરવામાં આવે ત્યારે તેને વધુ ગંભીરતાથી લેવાની જરૂર છે.

 

LEAVE A REPLY