જાપાનના વડાપ્રધાન યોશિહિડે સુગા. (Photo by Yuichi Yamazaki/Getty Images)

કોરોનાના કેસોમાં જંગી વધારાને પગલે જાપાનના વડાપ્રધાન યોશિહિડે સુગાએ ભારત અને ફિલિપાઇન્સની યાત્રા રદ કરી છે. તેઓ એપ્રિલના અંતિમ ભાગમાં આ યાત્રા કરવાના હતા, એમ સરકારના વરિષ્ઠ પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું.

જાપાન સરકારે ટોકિયોમાં ઇમર્જન્સીની વિચારણા કરી રહી છે. ભારતમાં પણ બુધવારે કોરોના વાઇરસના 2.95 લાખ નવા કેસ નોંધાયા હતા અને 2,023ના મોત થયા હતા.

સુગાએ બે દેશોની મુલાકાત રદ કરી હોવાના મીડિયા અહેવાલ અંગે ચીફ કેબિનેટ સેક્રેટરી કાત્સુનોબુ કાટોએ જણાવ્યું હગતું કે કોરોના વાઇરસ સામે શક્ય તમામ પગલાં લેવા માટે વડાપ્રધાન ગોલ્ડન વીક દરમિયાન કોઇ વિદેશ યાત્રા નહીં કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

જાપાન અને ભારત ક્વાડ ગ્રૂપના સભ્યો છે. આ ગ્રૂપમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે. જાપાનના વડાપ્રધાન ભારતની મુલાકાત આવ્યા હોય તો તેમની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રથમ રૂબરુ મુલાકાત શક્ય બની હોત.