પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતની એરલાઇન જેટ એરવેઝ 50 વિમાન ખરીદવા માટે એરબસને 5.5 બિલિયન ડોલરનો ઓર્ડર આપે તેવી શક્યતા છે. આ કોન્ટ્રાક્ટ માટે એરબસ પ્રબળ દાવેદાર તરીકે ઊભરી છે, એમ આ ગતિવિધિથી માહિતગાર લોકોએ જણાવ્યું હતું. તેનાથી યુરોપની વિમાન ઉત્પાદક કંપની એરબસની વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકસતા બજારમાં પકડ મજબૂત બનશે.

સૂત્રોએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે એ320ન્યૂ જેટ અને એ220 વિમાનો માટે મંત્રણા ચાલે છે. બોઇંગ અને એમ્બેરેર પણ મંત્રણામાં છે, પરંતુ કોઇ અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી. આ સોદો આશરે 5 બિલિયન ડોલરમાં થવાની ધારણા છે. આવી મોટી ખરીદીમાં સામાન્ય રીતે ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે.

આ મુદ્દે બોઇંગના પ્રતિનિધિએ કોઇ ટીપ્પણી કરી ન હતી. એરબસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની હંમેશા હાલના અને ભાવિ ગ્રાહકો સાથે મંત્રણા કરતી હોય છે. જોકે તે અંગેની મંત્રણા ગુપ્ત હોય છે. એક સમયે ભારતની ટોચની એરલાઇન ગણાવતી જેટ એરવેઝ ફરી ઉડ્ડયન માટે તૈયારી કરી રહી છે. કંપનીને ગયા મહિને ઉડ્ડયનનું લાઇસન્સ મળ્યું હતું. આ પરમીટનો અર્થ એવો થાય છે કે નવા ફંડિંગ, નવા માલિક અને નવા મેનેજમેન્ટ સાથે જેટ એરવેઝ નવા અવતારમાં ઉડ્ડયન માટે ફરી સજ્જ છે.

એરલાઇને ગયા સપ્તાહે કેબિન ક્રુને જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંજીવ કપૂરે એપ્રિલમાં જણાવ્યું હતું કે કંપની પ્રીમિયમ અને લો-કોસ્ટ સર્વિસના મિશ્રણ મારફત પુનરાગમન કરવા માગે છે. તે બિઝનેસ ક્લાસ અને ઇકોનોમી ક્લાસ એમ બંને સર્વિસ ઓફર કરવા માગે છે. બિઝનેસ ક્લાસ પેસેન્જરને ફ્રી મીલ્સ સહિતની સર્વિસિસ ઓફર કરાશે, જ્યારે ઇકોનોમી ક્લાસને પેસેન્જર્સે મીલ અને બીજા સર્વિસ માટે ચાર્જ આપવો પડશે.
કપૂરે જણાવ્યું હતું કે જેટના નવા માલિકોમાં દુબઈ સ્થિત ભારતીય મૂળના બિઝનેસમેન મુરારી લાલ જાલન, લંડન સ્થિત ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ ઓલ્ટરનેટ એસેટ મેનેજર કાલરોક કેપિટલ મેનેજમેન્ટના ચેરમેન ફ્લોરિયન ફ્રિચનો સમાવેશ થાય છે. નવા માલિકોએ 120 મિલિયન ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા આપી છે.