(ANI Photo)

બોલીવૂડની સંખ્યાબંધ હસ્તીઓ કોરોનાના ચપેટમાં આવી રહી છે. નોરા ફતેહી, મૃણાલ ઠાકુર, રાહુલ રવૈલ બાદ હવે એક્ટર જોન અબ્રાહમ અને તેની પત્નીને પણ કોરોના થયો છે. અભિનેતાએ સોમવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.

તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં હળવા લક્ષણો હોવાનું અને કેવી રીતે ચેપ લાગ્યો તે જણાવ્યું હતું. જોને લખ્યું હતું કે “3 દિવસ પહેલા મારી એક વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી અને તે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી મને પાછળથી મળી હતી. હું અને પ્રિયા કોરોના સંક્રમિત થયા છીએ. અમે ઘરે ક્વોરન્ટીન થયેલા છીએ એટલે બીજા કોના સંપર્કમાં આવ્યા નથી. અમે બંનેએ રસી લીધેલી છે અને હળવા લક્ષણો દેખાઈ રહ્યા છે. સૌ તંદુરસ્ત અને સ્વસ્થ રહેજો. માસ્ક પહેરજો.”

અગાઉ ફિલ્મ ડાયરેક્ટર રાહુલ રવૈલ, નોરા ફતેહી અને મૃણાલ ઠાકુર ઉપરાંત અર્જુન કપૂર, તેની બહેન અંશુલા કપૂર, અનિલ કપૂરની દીકરી રિયા અને જમાઈ કરણ બુલાની તેમજ એક્ટર રણવીર શૌરીનો દીકરો કોરોના સંક્રમિત થયા હતા. આ સિવાય ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી પણ નકુલ મહેતા, અર્જુન બિજલાની જેવા એક્ટર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. ડિસેમ્બર મહિનામાં કરીના કપૂર અને તેની બેસ્ટફ્રેન્ડ અમૃતા અરોરા તેમજ સોહેલ ખાનની પત્ની સીમા અને સંજય કપૂરની પત્ની મહીપ અને દીકરી શનાયા કોરોના સંક્રમિત થયા હતા. જોકે, હવે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે.