અમેરિકામાં વાઇસ પ્રેસિડન્ટ (AP/PTI Photo )

અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની ઓફિસના માહોલ અંગે ધી પોલિટિકોના ઈન્ટરવ્યૂ આધારિત અહેવાલમાં એવો દાવો કરાયો છે કે હેરિસના ચીફ ઓફ સ્ટાફ ટીના ફલોરનોય તેમના હાથ નીચેના સ્ટાફ સાથે ખરાબ, અપમાનજનક વર્તન કરે છે અને તેઓ કઈંક પણ ખોટું થાય તો એના વિષે કોઈક ને કોઈક પર દોષનો ટોપલો ઢોળી દેવાની આદત ધરાવે છે.

જુનના છેલ્લા સપ્તાહમાં વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે મેક્સિકો સરહદની મુલાકાત લેવાનો નિર્ણય લીધો ત્યારથી તેમની ઓફિસના સ્ટાફ વચ્ચે ટેન્શનનો માહોલ સર્જાયો હોવાનો આ અહેવાલમાં દાવો કરાયો છે. હાલમાં કામ કરતા હોય તેવા તેમજ અગાઉ વાઈસ પ્રેસિડેન્ટની ઓફિસમાં કામ કરી ચૂક્યા હોય તેવા 22 લોકોના ઈન્ટરવ્યૂના આધારે અપાયેલા અહેવાલમાં કેટલાક સૂત્રોને તો એવું કહેતા ટાંકવામાં આવ્યા છે કે, પોતાની ઓફિસના માહોલ માટે કેટલાક અંશે કમલા હેરિસ પોતે પણ જવાબદાર છે. સૂત્રોના દાવા મુજબ તેમના કાર્યાલયનો માહોલ તંદુરસ્ત નથી અને લોકો સાથે અવારનવાર દુર્વ્યવહાર થતો હોવાનું તેમને લાગે છે. કેટલાકે તો એવો દાવો પણ કર્યો છે કે, ખુદ પ્રેસિડેન્ટ બાઈડનનું કાર્યાલય હેરિસના સ્ટાફ પ્રત્યેના વ્યવહાર, વલણ વિષે ચિંતિત છે.

એ વાત ઉલ્લેખનિય છે કે, પ્રેસિડેન્ટ બાઈડેને પોતાની ઓફિસના સ્ટાફને પોતાની શપથવિધિના દિવસે જ અત્યંત કડક ચેતવણી આપી હતી કે કોઈપણ સ્ટાફ મેમ્બર પોતાના કોઈ સાથી કે અન્ય લોકો સાથે સન્માનજનક જણાય નહીં તે રીતે વર્તતા હોવાનું પોતાને જાણવા મળે તો તેને તાત્કાલિક રીતે કાઢી મુકાશે, એમાં કોઈ જો અને તો નહીં આવે.

કમલા હેરિસના સ્ટાફના બે સભ્યોએ તો રાજીનામા પણ આપી દીધા હોવાનું જણાવાયું છે. જો કે કમલા હેરિસના સમર્થકો કહે છે કે, માહોલ લોકો ફરિયાદ કરે છે એટલો બધો ખરાબ પણ નથી. સમર્થકોનું તો ત્યાં સુધી કહેવાનું છે કે, કમલા મેક્સિકો બોર્ડરની મુલાકાતે જવાના છે તે વાત ઈરાદાપૂર્વક કોઈ બિનજરૂરી વ્યક્તિ સુધી પહોંચે નહીં તેની તકેદારીના એક ભાગરૂપે ખૂબજ મર્યાદિત લોકો જાણતા હતા. તે ઉપરાંત કમલા પોતે એ વાતે સાવધ રહેવા માંગે છે કે, કામકાજ કે અન્ય મુદ્દાઓમાં પણ તેમની જાહેર પ્રતિભા પ્રેસિડેન્ટ બાઈડેન કરતાં પોતે વધુ કદાવર નેતા હોવાની કોઈપણ સંજોગોમાં બનવી જોઈએ નહીં. આ જ કારણોસર કેટલીક મુશ્કેલીઓ ઉભી થતી હોવાનું સમજાય છે.
કમલાના મુખ્ય પ્રવકત્તા સીમોન સેન્ડર્સે કહ્યું હતું કે, ઓફિસના ચીફ ટીના ફલોરનોય એક બ્લેક મહિલા હોવાના કારણે તેમને વધારે પડતા નિશાન બનાવાય છે. ટીના પોતે ખૂબજ અનુભવી છે, તો કમલા હેરિસ પોતાના કામ પ્રત્યે એકાગ્રતાપૂર્વક સમર્પિત છે, ઓફિસની ગપસપ તરફ ધ્યાન આપવાની ફૂરસદ તેમને નથી.

પ્રેસિડેન્ટ બાઈડેનના એક સિનિયર એડવાઈઝર અનિતા ડને પણ ફલોરનોયનો બચાવ કર્યો હતો. ફલોરનોય અગાઉ બિલ ક્લિન્ટનના સત્તાકાળમાં પ્રેસિડેન્ટની ઓફિસમાં કાક કરી ચૂક્યા છે, એ પછી તેઓ ફરીથી ચૂંટણી લડ્યા તે વખતે તેમની પ્રચાર ટીમમાં તથા અલ ગોર પ્રેસિડેન્ટની ચૂંટણી લડ્યા ત્યારે પણ તેમની પ્રચાર ટીમમાં કામ કરી ચૂક્યા છે. હેરિસની ઓફિસમાં જોડાયા ત્યારે પણ તેઓ ક્લિન્ટનના નિવૃત્ત પ્રેસિડેન્ટપદની ઓફિસમાં ચીફ ઓફ ધી સ્ટાફ હતા.