અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરીસે હેઇટ ક્રાઇમ, ઇમિગ્રેશન અને કોવિડ-19 રસીકરણ જેવા વિવિધ મહત્ત્વના મુદ્દે ધર્મગુરુઓના એક ગ્રૂપ સાથે મીટિંગ કરી હતી. હેરીસે જણાવ્યું હતું કે, આ નિરાશા અને મુશ્કેલીભર્યા આ સમયમાં ધર્મગુરુઓ શક્તિ, સહયોગ અને ચર્ચા કરવા માટેના સ્ત્રોત છે. હેરીસે પોતાના બુધવારના સંબોધનમાં જણાવ્યું હતું કે, તમે એવા પરિવારો સાથે વર્ચ્યુઅલી અથવા તો વ્યક્તિગત રીતે પ્રાર્થના કરી છે, જેમને ખૂબ જ ગંભીર નુકસાન થયું છે. આ મીટિંગમાં ચાર ધર્મગુરુઓ વ્યક્તિગત રીતે હાજર રહ્યા હતા જ્યારે અન્ય પાંચ વર્ચ્યુઅલી જોડાયા હતા. જેમાં લઘુમતિ ધર્મોના કોઇપણ ગુરુ નહોતા જોડાયા.
તેમણે જણાવ્યું હતું કે, ‘તમે અમારા ધર્મગુરુઓ તરીકે બેઘર લોકોને આશ્રય આપો છો અને ભૂખ્યા લોકોને ભોજન આપો છે. ખાસ ગત વર્ષે તમે ફક્ત નાણાકીય અને ભૌતિક જ નહીં પરંતુ આધ્યાત્મિક રીતે પણ મદદ કરી હતી. હજુ સુધી તમે તેમાં અડગ રહ્યા છો.’ લોકો રસી લે તે માટે તેમને પ્રોત્સાહન આપવા હેરીસે ધર્મગુરુઓને વિનંતી કરી હતી.
હેઇટ ક્રાઇમ અંગે ચર્ચા કરતા હેરિસે ધર્મગુરુ સામૂહિકરૂપે શું કરી શકે છે તેના મહત્ત્વ વિશે ભાર મૂક્યો હતો અને સંકટની આ ક્ષણને ગઠબંધન નિર્માણ માટેની તક તરીકે જોવા અંગે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, તેઓ નોર્ધન ટ્રાયએંગલ અંગે કામ કરી રહ્યા છે.