(ANI Photo/Rahul Singh)

જાણીતા ફિલ્મ મેકર કરણ જોહર તાજેતરમાં જેસલમેર ગયો ત્યારથી તેના નવા શો અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. જોકે, હવે તેણે તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર નવા રીઆલિટી શો ‘ધ ટ્રેઇટર્સ’ની જાહેરાત કરી હતી. આ શો, અમેરિકન રીઆલિટી શો આધારિત હશે. કરણ જોહરે આ અંગે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કરીને લખ્યું હતું કે, “ આ શો એટલો અવિશ્વસનીય હશે કે તમે એક આંખ ખુલ્લી રાખીને ઊંઘશો. હાલ પ્રાઇમ વીડિયો ઇન્ડિયા માટે શૂટ શરૂ થયું છે.”

આ શો સાથે સંકળાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, “કરણ જોહર આ શોના શૂટ માટે બે અઠવાડિયા જેસલમેરમાં હશે. આ શોના ફોર્મેટ મુજબ શોના સ્પર્ધકે બે અઠવાડિયા સુધી એક જ સ્થળે રોકાવું પડે છે. સમગ્ર દેશમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધા બાદ શોની ટીમે જેસલમેર પર પસંદગી ઉતારી હતી. સ્પર્ધકે આ શોમાં ટકી રહેવા માટે કેટલીક કામગીરી કરવી પડશે.

પરંતુ આ શોને રસપ્રદ બનાવવા માટે તેમાં ઘણા ટ્વિસ્ટ્સ અને ટર્ન રાખવામાં આવશે.”એવી પણ ચર્ચાઓ છે કે કરણ કુન્દ્રા, સુદ્ધાંશુ પાંડે, રાજ કુન્દ્રા, અંશુલા કપૂર અને જાસ્મીન ભસીન આ શોમાં ભાગ લઇ રહ્યાં છે, પરંતુ હજુ આ અંગે કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી. કરણ જોહર અત્યારે આ શોની સાથે તેની ફિલ્મ ‘દેવરા’ અને ‘જિગરા’ની રિલીઝ માટે પણ વ્યસ્ત છે. સાથે તેની અન્ય ત્રણ ફિલ્મો ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’, ‘ધડક 2’ અને અક્ષયકુમાર સાથેની ફિલ્મ જેનું નામ હજુ નક્કી થયું નથી, તેના કામમાં પણ બીઝી છે.

LEAVE A REPLY