વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા તેમના મત વિસ્તાર બનારસના કાશી વિશ્વનાથ ધામના નવા કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન બાદ મોટા તહેવારો અને મહત્વના દિવસોમાં બાબા વિશ્વનાથના દર્શન કરવા આવનાર ભક્તોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. નવા કોરિડોરના નિર્માણ પછી એક દિવસમાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા છ લાખ સુધી પહોંચી ગઈ છે. શ્રી કાશી વિશ્વનાથ સ્પેશિયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડના અધિકૃત આંકડાનું વિશ્લેષણ કરતા જણાયું છે કે, કોરિડોરનું ઉદ્ઘાટન પછી વસંત પંચમી, મહાશિવરાત્રિ, હોળી, શ્રાવણ મહિનાના સોમવારે અહીં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હોવાથી પ્રવાસીઓની સરેરાશ સંખ્યા પાંચ લાખ સુધી પહોંચી છે. જે કોરિડોરના નિર્માણ અગાઉ 1.5 લાખ પ્રવાસીઓ આવતા હતા. આ વર્ષે 1 માર્ચના રોજ શિવરાત્રિ 6.5 લાખ ભક્તોએ કોરિડોરની મુલાકાત લીધી હતી. બીજી તરફ સામાન્ય રોજિંદા દિવસોમાં ભક્તોની સંખ્યા 35થી 70 હજાર સુધી નોંધાઈ છે. વડા પ્રધાન મોદીએ ગત વર્ષે 13 ડિસેમ્બર 50 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.