શનિવારે ભારે બરફવર્ષા બાદ પેસેન્જર વિમાનમાંથી કાશ્મીરના બરફ આચ્છાદિત પર્વતોનો એરિયવ વ્યૂ (ANI Photo)

કાશ્મીર કાતિલ કોલ્ડ વેવને ચપેટમાં છે અને હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઘણા વિસ્તારોમાં લઘુતમ તાપમાન શૂન્યથી ઘણુ નીચે ગયું હતું. જમ્મુ અને કાશ્મીરની ઉનાળા રાજધાની શ્રીનગરમાં તાપમાનનો પારો ગગડીને માઇનસ 4.5 ડિગ્રી સેલ્શિયસ થયો હતો, જે અગાઉની રાત્રીએ માઇનસ 3.4 ડિગ્રી હતો. પહેલગામમાં આ સિઝનનું સૌથી નીચું માઇનસ 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બારામુલ્લા જિલ્લાના પ્રખ્યાત સ્કીઇંગ રિસોર્ટ ગુલમર્ગમાં લઘુતમ ઉષ્ણાતામાન માઇનસ 9.4 ડિગ્રીએ પહોંચ્યું હતું, જે અગાઉની રાત્રી કરતાં પણ નીચે છે. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં માઇનસ 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અગાઉની રાત્રીએ અહીં લઘુતમ તાપમાન 10.3 ડિગ્રી હતું. અહીં ઉલ્લેખનીય છે કે પહેલગામ પ્રખ્યાત અમરનાથ યાત્રાનો બેઝ કેમ્પ છે. પહેલગામ સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં સૌથી ઠંડુ શહેર બન્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કાજીગુન્ડમાં લઘુતમ તાપમાન માઇનસ 7.6 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે નજીકના કોકરનાગમાં તાપમાનનો પારો ગગડીને માઇનસ 7.2 ડિગ્રી નોંધાયો હતો. ઉત્તર કાશ્મીરના કુપવાડામાં લઘુતમ તાપમાન માઇનસ 5.0 ડિર્ગી નોંધાયું હતું.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે કાશ્મીરમાં લઘુતમ તાપમાનમાં આગામી દિવસો હજુ ઘટાડો થવાની ધારણા છે. કાશ્મીર વેલી હાલમાં 40 દિવસના સૌથી ઠંડા સમયગાળામાંથી પસાર થઈ રહી છે. આ સમયગાળો ચિલ્લા-એ-કલન તરીકે ઓળખાય છે.