મહાશિવરાત્રી નિમિત્તે કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે ૨૫ એપ્રિલથી ભક્તો માટે બાબાના દ્વાર ખુલશે. સવારે ૬.૨૦ વાગ્યાથી ભક્તો કેદારનાથ મંદિરના દર્શન કરી શકશે. શનિવારે મહાશિવરાત્રીના નિમિત્તે ઓમકારેશ્વર મંદિરમાં સવારે ચાર વાગ્યાથી મહાભિષેક પૂજાનો પ્રારંભ થયો હતો. સવારે ૮.૩૦ વાગ્યે કેદાનાથની આરતી કરવામાં આવી હતી અને ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યાર પછી સવારે નવ વાગ્યાથી મંદિર શિખરના આચાર્ય પંચકેદાર ગાદીસ્થાન પર પંચાંગ મુજબ ગણતરી માટે બેઠા અને કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ નક્કી કરી. કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું કે, આ પ્રસંગે કેદારનાથના રાવલ ભીમાશંકરના પ્રતિનિધિ તરીકે હાજર હતા. ઓમકારેશ્વર મંદિર પરિસરમાં દિવસભર ભજન કીર્તન ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, બદ્રિનાથ ધામના કપાટ ખોલવાની જાહેરાત પણ થઈ છે અને તે આ વર્ષે ૨૭ એપ્રિલે સવારે ૭.૧૦ વાગ્યે ખોલાશે.
કોરોના સમયગાળાના બે વર્ષ પછી વર્ષ ૨૦૨૨માં પ્રતિબંધ વિના નીકળેલી ચારધામ યાત્રાએ ગયા વર્ષે નવો રેકોર્ડ બનાવ્યો હતો. પ્રથમ વખત ૪૬ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચાર ધામની મુલાકાત લીધી હતી. ગત ૧૯ નવેમ્બરે બદ્રિનાથ ધામના દરવાજા બંધ થતાં ચારધામ યાત્રાનું સમાપન થયું હતું. ગયા વર્ષે ૧૭,૬૦,૬૪૬ શ્રદ્ધાળુઓ બદ્રિનાથ પહોંચ્યા હતા. તે જ સમયે ૬,૨૪,૪૫૧ શ્રદ્ધાળુઓ ગંગોત્રી ધામ પહોંચ્યા હતા. જ્યારે ૪,૮૫,૬૩૫ શ્રદ્ધાળુઓ દર્શન માટે યમુનોત્રી ધામ પહોંચ્યા હતા. કેદારનાથ યાત્રામાં ૧૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા, જે એક રેકોર્ડ હતો. તે સિવાય યાત્રા દ્વારા રૂ. ૨૧૧ કરોડનો બિઝનેસ થયો હતો.

LEAVE A REPLY

eleven + 16 =