સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વેલી ઓફ ફ્લાવર (istockphoto.com)

ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે. જાહેર જનતા માટે 18 ફેબ્રુઆરી 2020ના રોજ જંગલ સફારી પાર્ક ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સફારી પાર્કમાં વિદેશથી લાવવામાં આવેલા કેટલાય પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર છે.

ગુરુવારે રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે, જંગલ સફારી પાર્કમાં વિદેશથી લવાયેલા 49 એક્ઝોટિક પ્રાણીઓના મોત થયા છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નનો ઉત્તર આપતાં રાજ્ય સરકારે ખુલાસો કર્યો હતો કે, વિદેશથી 22 પ્રાણીઓ લવાયા હતા જેમાંથી આઠનાં મોત થયા છે. વિદેશથી લવાયેલા પશુઓમાં પાંચ અલ્પાકા, ચાર લામા, પાંચ વોલ્બીઝ, પાંચ જિરાફ, ત્રણ ઝિબ્રા, 3 વાઇલ્ડબિસ્ટ અને બે ઓરીક્સનો સમાવેશ થાય છે. જેમાંથી 3 અલ્પાકા, 3 વિલ્ડબિસ્ટ, બે લામા, બે ઓરીક્સ, બે વોલ્બીઝ, એક જિરાફ અને એક ઝિબ્રા જીવિત રહ્યા છે.
પ્રધાને લેખિત જવાબ આપતાં જણાવ્યું કે, વિદેશથી લવાયેલા મોટાભાગના પશુઓ અને પક્ષીઓના મોત શ્વસનતંત્રની મુશ્કેલની કારણે થયા હતા. મૃત્યુના અન્ય કારણોમાં હાયપોવોલેમિક શૉક, એસ્ફેક્સિયા, મલ્ટી-ઓર્ગન ફેઈલ્યોર, પેટમાં ગંભીર દુઃખાવો, ન્યૂમોનિયા અને હૃદય બંધ થઈ જવાનો સમાવેશ થાય છે.