ભારતની યાત્રાએ આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડાએ શનિવાર (19 માર્ચે) યુક્રેન કટોકટી સહિતના વિવિધ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા યોજી હતી. REUTERS/Adnan Abidi

ભારતની યાત્રાએ આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડાએ શનિવાર (19 માર્ચે) યુક્રેન કટોકટી સહિતના વિવિધ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા યોજી હતી. બંને દેશોએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારમાં વધારો કરવા માટે છ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત ક્લિન એનર્જીમાં ભાગીદારી માટે એક અલગ સમજૂતી કરી હતી.

નવી દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ જણાવ્યું હતું કે ભારત અને જાપાન વચ્ચેના ગાઢ સંબંધોથી માત્ર બે દેશોને જ લાભ નહીં થાય, પરંતુ તેનાથી ઇન્ડો પેસિફિક રિજનમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન મળશે. મોદીએ યુક્રેન કટોકટી અંગે કોઇ ટીપ્પણી કરી ન હતી, પરંતુ નોંધ્યું હતું કે ભૂરાજકીય ઘટનાઓથી નવા પડકારો ઊભા થયા છે.

કિશિડાએ જણાવ્યું હતું કે “અમે યુક્રેનની સ્થિતિની ચર્ચા કરી હતી. યુક્રેન પર રશિયાનો હુમલો અત્યંત ગંભીર બાબત છે, જેનાથી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનો પાયો હચમચી ઉઠ્યો છે. આપણે દ્રઢ સંકલ્પ સાથે આ મુદ્દાનો ઉકેલ લાવવાની જરૂર છે. મે મોદીને કહ્યું છે કે તાકાત મારફત યથાવત સ્થિતિમાં ફેરફાર કરવાના એકપક્ષીય પ્રયાસોને છૂટ આપી શકાય નહીં. અમે બંને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ તમામ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલની જરૂરિયાત માટે સહમત છીએ.’’

ભારત અને જાપાન ક્વાડ (ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ)ના પણ સભ્ય છે. ગ્રૂના અન્ય દેશોમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ક્વાડ ગ્રૂપનો ભારત એકમાત્ર એવો દેશ છે કે જેને યુક્રેન પર રશિયાના આક્રમણની નિંદા કરી નથી.ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલાએ જણાવ્યું હતું કે બંને નેતાઓએ ઇન્ડો પેસિફિક રિજનમાં વ્યાપક અસરોની ચકાસણી કરી હતી. બંને નેતાઓએ યુક્રેનમાં અણુ પ્લાન્ટની સુરક્ષાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.