દર વર્ષે બીજી ઓક્ટોબરે ગાંધી જ્યંતી નિમિત્તે ભારતમાં ખાદીના વસ્ત્રો તથા ખાદીના કાપડમાં વિવિધ સ્થળે ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં છે ત્યારે લોકો ખાદીના વસ્ત્રો, આસન, ચાદર, કુશન કવર વગેરેની ખરીદી કરતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણીવાર ખાદીના કપડામાં જોવા મળે છે અને તેઓ વારંવાર તેનો પ્રચાર કરવાનો પ્રયત્ન કરતા રહે છે.
મહાત્મા ગાંધીએ ખાદીને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું શસ્ત્ર બનાવ્યું હતું. આ કારણોસર ખાદીનું પ્રતિકારાત્મક અને રાજકીય મહત્વ પણ છે. તાજેતરના સમયમાં ખાદીની લોકપ્રિયતા અને સ્વીકૃતિ ઝડપથી વધી છે. ટોચના નેતાઓ અને અન્ય લોકોના જોરે હવે સામાન્ય માણસ પણ ખાદીના કપડાંને એ રીતે પસંદ કરવા લાગ્યા છે જાણે કે તે એક મોટી બ્રાન્ડ હોય. ખાદીના સતત વધી રહેલા વેચાણ પરથી આ સ્થિતિ સ્પષ્ટપણે જોવા મળે છે. સરકારી આંકડાઓ અનુસાર ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં ખાદીના વેચાણનો આંકડો 3 હજાર કરોડ રૂપિયાને પાર કરી ગયો છે.
જોકે ખાદીના વસ્ત્રો હંમેશાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે. ખાદીના કાપડનો મૂળ ગુણધર્મ એ છે કે તેનાથી ગરમી ઓછી લાગે છે માટે જ ઉનાળામાં તે વિશેષ રાહતદાયક બની રહે છે. ઉપરાંત દરેક સિઝનમાં બફારો તથા ગરમી વધી રહી છે તેના માટે તમે કાયમી પણે ખાદીના વસ્ત્રોને તમારા વોર્ડરોબમાં સામેલ કરી શકો છો.
તાજેતરમાં જ જાણીતા ફેશન ડિઝાઇનર રિતુ કમારે ખાદીનું કલેક્શન રજૂ કર્યું હતું .જેમાં ખાદી સિલ્કના એવા વસ્ત્રોનો સમાવેશ થતો હતો. જે તમે લગ્નથી માંડીને કોઈ પણ પ્રસંગે પહેરી શકો છો. તે સિવાય ભારતના ઘણા ફેશન ડિઝાઇનર્સે ખાદીના દેશી ગણાતા કાપડનો ઉપયોગ કરીને ભારતભરમાં તેના ડિઝાઇનર વસ્ત્રો લોકપ્રિય બનાવ્યા છે. સામાન્ય રીતે ખાદીના વસ્ત્રોનું વેચાણ કરતી દુકાનોમાં ખાદીના સદરા, સલવાર કુર્તા, અને કોટી, ઝભ્ભા જ જોવા મળે છે. પરંતુ ફેશન ડિઝાઇનર સિલ્ક ખાદી, સાદી ખાદી, પોલીવસ્ત્ર ખાદીના કોમ્બિનેશનથી અનારકલી ડ્રેસ, લગ્ન માટેના ધોતી અને શેરવાની, ફ્રોક, જંપ સૂટ, બેબી ફ્રોક, ડિઝાઇનર શર્ટ, ડિઝાઇનર સાડી જેવા ઘણા ક્લેક્શન બહાર પાડ્યા છે.
ખાદીએ માત્ર ભારત જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ ફેશન ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનું સ્થાન મેળવ્યું છે. ખાદી પોતે જ એક ફેશન બ્રાન્ડ મનાય છે. ગરમીમાં ખાદીનાં આઉટફિટ્સ પહેરવાથી શરીરને ઠંડક તો મળે જ છે પરંતુ એ સ્ટાઇલિશ અને રોયલ લુક પણ આપે છે.
ખાદી દરેક મોસમ માટે અનુકૂળ છે. એ તેના કલર્સ, ડિઝાઇન્સ અને કમ્ફર્ટ માટે જાણીતી છે. નેચરલ અને ઓર્ગેનિક ફેબ્રિક ખાદી ગરમી માટે બહેતરીન ચોઇસ છે. એ હાથેથી વણેલું કાપડ હોય છે. એ સ્કિન ફ્રેન્ડલી પણ છે એટલે મોંઘું હોવા છતાં લોકો એના પ્રત્યે આકર્ષાય છે. ખાદી શિફોન, જયોર્જેટ કે અન્ય ફેબ્રિકસ સાથે મિકસ એન્ડ મેચ કરી પહેરી શકાય છે. બ્લોક પ્રિન્ટિંગ, માર્બલ પ્રિન્ટ, જરદોશી અને ફૂલકારીવાળા ખાદી આઉટફિટ્સ ટ્રેન્ડમાં છે.












