વેસ્ટ મિડલેન્ડના વુલ્વરહેમ્પટન સીટી સેન્ટરમાં એક બિઝનેસમેનનું અપહરણ કરી માર મારનાર ગેન્જ એવન્યુ, લેન્સફિલ્ડ ખાતે રહેતા બે ભાઈઓ બલજીત બઘરાલ અને ડેવિડ બઘરાલને 16-16 વર્ષની તથા નોર્થ વેસ્ટ લંડનના લોન્ગ્રીજ લેન, સાઉથોલમાં રહેતા તેમના સાગરીત સાનુને બદલ 13 વર્ષ અને ચાર મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.

ગયા વર્ષે 10 નવેમ્બરના રોજ ભોગ બનેલ વેપારી કામ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રણેય જણાએ તેને એક વાનમાં બેસાડી તેમના હાથ બાંધી દીધા હતા. તેમની આંખો પર પટ્ટી બાંધી દઇ તેઓ ડડલીના કોસલીમાં આવેલી એક દુકાનમાં લઈ ગયા હતા. જ્યાં તેમણે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમના માથા પર બંદૂક મૂકી ડરાવ્યા હતા.

ગયા મહિને વુલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટમાં ટ્રાયલ પછી ત્રણેય જણાએ દોષી હોવાની કબૂલાત કર્યા બાદ  આ અઠવાડિયે તેમને સજા ફટકારવામાં આવી હતી.

વોલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટમાં મેજર ક્રાઈમ્સ ટીમના કોન્સ્ટેબલ ડેન ડેવિડે જણાવ્યું હતું કે, ‘’આરોપીઓએ પીડિતને કલાકો સુધી ભયંકર ત્રાસ આપી મોટી રકમની માંગણી કરી હતી. પીડિતને કેટલાય કલાકો સુધી બંદી બનાવ્યો હતો અને જ્યાં સુધી તેનો સાથીદાર £19,000ની રકમ લઇ બસ સ્ટોપ પર ન પહોંચે ત્યાં સુધી તેમણે તેને પકડી રાખ્યો હતો. તે પછી બિઝનેસમેનને એક વેનમાં બંધ કરી દેવાયો હતો જ્યાંથી તેમે છટકીને પોલીસને ફોન કર્યો હતો.’’

વેસ્ટ મિડલેન્ડ પોલીસે સીસીટીવી, વેનની નંબર પ્લેટ અને મોબાઈલ ફોન ડેટાનો ઉપયોગ કરીને આરોપીને શોધી કાઢયા હતા. ડેવિડ બઘરાલની તેના ઘરેથી ધરપકડ કરાઇ હતી, જ્યારે તેના ભાઈ બલજીતની તે જ દિવસે બર્મિંગગહામ એરપોર્ટ પરથી તથા સાનુને થોડા દિવસો પછી હિથ્રો એરપોર્ટ પરથી અમેરિકા ભાગે તે પહેલા પકડી લેવાયો હતો.

LEAVE A REPLY

16 − 1 =