(PTI Photo/R Senthilkumar)
આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે ચેન્નાઈમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવી આઈપીએલની ટ્રોફી ત્રીજીવાર હાંસલ કરી હતી. હૈદરાબાદના સુકાની કમિન્સે ટોસ જીતી પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો, પણ કોલકાતાના બોલર્સ સામે હૈદરાબાદના બેટર્સ વામણા સાબિત થયા હતા અને પહેલી બે ઓવરમાં જ ફક્ત છ રન કરતાં તો બન્ને ઓપનર્સ પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
એકંદરે હૈદરાબાદ 18.3 ઓવર્સમાં ફક્ત 113 રન કરી શક્યું હતું, જેમાં છેક નવમા ક્રમે આવેલા સુકાની પેટ કમિન્સના 19 બોલમાં 24 રન સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો. ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરના પાંચ બેટર્સ બે આંકડાના સ્કોરે પહોંચી શક્યા નહોતા. કોલકાતા તરફથી આંદ્રે રસેલે 2.3 ઓવર્સમાં 19 રન આપી સૌથી વધુ – 3 વિકેટ લીધી હતી. તો મિચેલ સ્ટાર્કે 3 ઓવરમાં ફક્ત 14 રન આપી તથા હર્ષિત રાણાએ 4 ઓવરમાં 24 રન આપી બે-બે વિકેટ ખેરવી હતી. વૈભવ અરોરા, સુનિલ નરિન અને વરૂણ ચક્રવર્તીએ એક-એક વિકેટ ઝડપી હતી.
જવાબમાં કોલકાતાના બેટર્સે ઝંઝાવાતી શરૂઆત કરી હતી અને નવમી ઓવરમાં તો 100 રન ઝુડી નાખ્યા હતા. સુનિલ નરિન સસ્તામાં આઉટ થયા પછી બીજો ઓપનર રહેમાનુલ્લા ગુરબાજ 32 બોલમાં 39 રન કરી બીજી વિકેટ સ્વરૂપે આઉટ થયો હતો. પણ તેની સામે બીજા છેડે વેંકટેશ ઐયરે આતશબાજી રમતો હોય તેમ ત્રણ છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે 26 બોલમાં અણનમ 52 રન કર્યા હતા. કોલકાતાએ 10.3 ઓવરમાં જ ફક્ત બે વિકેટે 114 રન કરી વિજય ધ્વજ લહેરાવ્યો હતો. મિચેલ સ્ટાર્કને પ્લેયર ઓફ ધ મેચ તથા સુનિલ નરિનને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા.
કોલકાતા નાઈટ રાઈડર્સ આ પહેલા 2012 અને 2014માં આઈપીએલ ચેમ્પિયન બની હતી. 2012માં તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ ને 5 વિકેટે અને 2014માં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવી આઈપીએલનો તાજ ધારણ કર્યો હતો. 2021માં કોલકાતા ફાઇનલમાં તો પહોંચ્યું હતું, પરંતુ ચેન્નાઈ સામે 27 રને હારી ગયું હતું.
તો સનરાઈઝર્સ હૈદરાબાદ તેના જુના અવતારમાં ડેક્કન ચાર્જર્સ તરીકે 2009માં અને પછી નવા અવતારમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરીકે 2016માં આઈપીએલ ચેમ્પિયન બન્યું હતું, જ્યારે 2018માં તે ચેન્નાઈ સામે ફાઈનલમાં પરાજય પછી રનર્સ અપ રહ્યું હતું.

LEAVE A REPLY