નોર્થ લંડનના એજવેરમાં આવેલી ક્રિષ્ણા અવંતિ પ્રાયમરી શાળાને જૂન 2025માં થયેલા ઓફસ્ટેડ નિરીક્ષણ બાદ તમામ ક્ષેત્રોમાં “આઉટસ્ટેન્ડીંગ” રેટિંગ આપવામાં આવ્યું છે. આ રેટીંગ શાળાની અસાધારણ શિક્ષણ ગુણવત્તા, મજબૂત નેતૃત્વ અને સહાયક શૈક્ષણિક વાતાવરણને માન્યતા આપે છે.
ઇન્સપેક્ટરોએ શાંત, હેતુપૂર્ણ વાતાવરણ પર પ્રકાશ પાડ્યો હતો અને શાળાના આધ્યાત્મિક અને કરુણાપૂર્ણ વિઝનની પ્રશંસા કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ, માતાપિતા અને ટ્રસ્ટીઓ વચ્ચેની સહિયારી પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને સફળ શૈક્ષણિક વાતાવરણને પ્રોત્સાહન આપનારા સક્રિય સહભાગીઓ તરીકે વર્ણવવામાં આવ્યા હતા.
આચાર્ય શ્રીતિ ગઢિયાએ જણાવ્યું હતું કે આ રેટિંગ સમગ્ર શાળા સમુદાયના સમર્પણ અને વિદ્યાર્થીઓના વિકાસ પર સમૃદ્ધ, આકર્ષક અભ્યાસક્રમની સકારાત્મક અસરને પ્રતિબિંબિત કરે છે.
અવંતિ સ્કૂલ્સ ટ્રસ્ટના સીઈઓ ડૉ. જેમ્સ બિડલ્ફ, એમબીઈએ સ્ટાફ અને નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું હતું કે આ પરિણામ દરેક બાળકને અસાધારણ શૈક્ષણિક સફર પૂરી પાડવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ક્રિષ્ણા અવંતિ પ્રાયમરી સ્કૂલ અવંતિ સ્કૂલ્સ ટ્રસ્ટનો ભાગ છે અને યુકેની પ્રથમ સ્ટેટ ફંડેડ હિન્દુ-ફેઇથ સ્કૂલ તરીકે સેવા આપે છે.
