લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા દ્વારા મંગળવાર તા. 16ના રોજ દિવાળી રિસેપ્શન 2021નું આયોજન લેબર પાર્ટી હેડક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં લેબર પાર્ટીના નેતા કેર સ્ટાર્મર, શેડો ચાન્સેલર એન્જેલા રેનર, એમપીઓ જોનાથન એશવર્થ, વિરેન્દ્ર શર્મા, એનેલીઝ ડોડ્સ અને અન્ય શેડો મિનિસ્ટર્સ, મેયર્સ, કાઉન્સિલર્સ સહિત છેક કાર્ડિફ અને માન્ચેસ્ટરથી લેબર નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા એ લેબર પાર્ટીના સભ્યો, સમર્થકો અને રાજકીય હોદ્દેદારોનો એક એવો સમુદાય છે જે બ્રિટિશ ભારતીયો અને લેબર પાર્ટી વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા ઈચ્છે છે. આ સંસ્થા વિશ્વની સૌથી મોટી લોકશાહી અને વિશ્વની સૌથી જૂની લોકશાહી યુકે અને ભારત વચ્ચેના વર્ષો જૂના સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ કરે છે.

લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના કો-ચેરમેન અને આયોજકો રાજેશ અગ્રવાલ અને ડેરેન જોન્સ એમ.પીએ જણાવ્યું હતું કે ‘’કમનસીબે કોવિડ રોગચાળાને કારણે, અમે વધુ લોકોને સમાવી શક્યા ન હતા. પરંતુ જો તમે અમારી સાથે જોડાવા માંગતા હો તો અમે ચોક્કસપણે તમને ભવિષ્યની ઇવેન્ટમાં જોવા માટે આતુર છીએ.’’